- વેલમાં ધસી આવેલા કોંગ્રેસના ૧૫ ધારાસભ્યો સસ્પેન્ડ
ગુજરાત વિધાનસભાના ૨ દિવસીય ટૂંકા સત્રનો આજે છેલ્લો દિવસ છે. કોંગ્રેસ દ્વારા સતત બીજા દિવસે ગૃહમાં હંગામો મચાવવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં OBC અનામતના વિવાદને લઈને વિધાનસભા ગૃહમાં હોબાળો થયો હતો. કોંગ્રેસ પક્ષે OBC અનામત મુદ્દે ચર્ચા કરવાની માગણી કરી હતી. પરંતુ વિધાનસભા અધ્યક્ષે કહ્યું હતું કે, આ ચર્ચા ન થઈ શકે. આ કારણથી કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં પ્લે કાર્ડ લઈને વિરોધ કર્યો હતો. વેલમાં ઘસી આવેલા કોંગ્રેસના ૧૫ ધારાસભ્યોને આજની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. કોંગ્રેસના ધારાસભ્યોએ ટૂંકી મુદતના સવાલના જવાબ સામે વાંધો ઉઠાવ્યો હતો તેમજ ગૃહમાં મોંઘવારી, લમ્પી વાઇરસ સહિતના મુદ્દે ચર્ચા કરવા સમય માગ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ગૃહમાં ન્યાય આપો, ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષે હોબાળો કરીને વોકઆઉટ કર્યો હતો.

રાજય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં લવાયેલા જીએસટી સુધારા વિધેયક, ગુજસીટોક સુધારા બિલ અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ સુધારા વિધેયક પ્રથમ દિવસે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.
લાઠી વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સુધારા વિધેયક પર પોતાનો મત રજૂ કરતાં ગૃહમાં કહ્યું હતું કે યુવા ધન બીજા રવાડે ના ચડે એ માટે આતંકી કાયદા કડક બનાવવા જોઈએ. તપાસ એ થવી જોઈએ કે ડ્રગ્સ ખરીદી કોણ કરી રહ્યાં છે? ડ્રગ્સ જેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને તાત્કાલિક ફાંસીની સજા આપવા પણ ઠુમ્મરે માગ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોના મત બાદ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં NDPS અને પીટ NDPS એક્ટ કડક રીતે અમલી છે. NDPS એક્ટ હેઠળ તો ઓડિશાની ગેંગની સંપત્તિ પણ ટાંચમાં લીધી છે તેમ છતાં પણ ડ્રગ્સ-માફિયાઓને ગુજસીટોક કાયદા હેઠળ સમાવવા માટે વધારે વિચારણા કરાશે.