Published by : Vanshika Gor
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારની મુલાકાતે છે. ચંપારણના બેતિયામાં આયોજિત સભામાં અમિત શાહે નીતિશ કુમારને લઇ ઘણી કટાક્ષ કરી હતી. તેમણે કહ્યું હતું કે, બિહાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સતત નિષ્ફળ રહ્યું છે. નીતિશ કુમારે બિહારનું વિભાજન કર્યું છે. અહીં નકલી દારૂથી લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. એવામાં દર 3 વર્ષે નીતીશ કુમાર પીએમ બનવાનું સપનું જુએ છે. નીતીશ બાબુ આયારામ-ગયારામમાં જ વ્યસ્ત છે. જંગલરાજના લોકો સાથે બેઠો કરે છે. નીતીશ કુમાર માટે હવે ભાજપના દરવાજા બંધ છે.
નીતિશ કુમાર પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, ગુનાખોરી ફરી વધી રહી છે. હત્યા, અપહરણ, લૂંટના કિસ્સાઓ રોજેરોજ સામે આવી રહ્યા છે. પીએફઆઈ જેવી સંસ્થાઓ બિહારમાં પ્રવેશ કરી રહી હતી, પરંતુ નીતીશબાબુ ચૂપ હતા. PFI પર પ્રતિબંધ મૂકીને આખા દેશને સુરક્ષિત કરવાનું કામ મોદીજીએ કર્યું છે.
અમિત શાહ અહીં જ અટક્યા નહિ, તેમણે કહ્યું કે નીતિશ બાબુ તમે વડાપ્રધાન બનવા માટે વિકાસવાદીમાંથી તકવાદી બની ગયા છો. કોંગ્રેસ અને આરજેડીના આશ્રયમાં જતા રહ્યા છો. નીતીશ બાબુની વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષાએ બિહારનું વિભાજન કર્યું છે. આજે જે જંગલરાજ ચાલી રહ્યું છે તેમાંથી છુટકારો મેળવવાનો એકમાત્ર રસ્તો 2024માં ભાજપની સરકાર બનાવીને મોદીને વડાપ્રધાન બનાવવાનો છે.