ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ પણ આજે કોરોનાને લઈને સમીક્ષા બેઠક બોલાવી
ચીનમાં કોરોનાએ જે રીતે તબાહી મચાવી છે, તેને જોતા ભારત સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. વિશ્વભરમાં કોરોનાના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. જે બેઠક દેશમાં કોરોના વાયરસ સંબંધિત સ્થિતિની સમીક્ષા કરશે. ઉપરાંત રાજ્ય સરકારો પણ કોરોનાને લઈને હવે સતર્ક થઇ ગઈ છે. ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ પણ આજે કોરોનાને લઈને સમીક્ષા બેઠક બોલાવી છે. જોકે અત્યાર સુધી આ નવા વેરિઅન્ટના ચાર કેસો જ ભારતમાં નોંધાયા છે.
આજની બેઠકમાં, આરોગ્ય વિભાગ, દવા વિભાગ, બાયોટેકનોલોજી વિભાગ અને આયુષ વિભાગના સચિવો ઉપરાંત, ભારતીય તબીબી સંશોધન પરિષદના મહાનિર્દેશક, નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પોલ અને નેશનલ ઈમ્યુનાઈઝેશન ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપના ચેરમેન પણ હાજરી આપશે.
ગઈકાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં રાખીને દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે લોકોને માસ્ક પહેરવા અને રસી લેવા અંગે એક ખાસ અપીલ કરી હતી. તેમણે અધિકારીઓને સતર્ક રહેવા અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા નિર્દેશ આપ્યો હતો. એક ટ્વિટમાં મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ‘કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આજે નિષ્ણાતો અને અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ કોવિડ હજી પૂરો થયો નથી. અમે તમામ સંબંધિત કાર્યપાલિકાને સતર્ક રહેવા અને તકેદારી વધારવા કહ્યું છે. સરકાર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.’