RBI ગવર્નર શક્તિકાંત દાસનું ખાનગી ક્રિપ્ટોકરન્સી અંગે મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ખાનગી ક્રિપ્ટોકરન્સી નાણાકીય કટોકટી તરફ દોરી શકે છે. તેમણે ક્રિપ્ટોને સટ્ટાબાજીનું સાધન પણ ગણાવ્યું છે. RBI ગવર્નર છેલ્લા ઘણા મહિનાઓથી ક્રિપ્ટોકરન્સી વિશે સતત ચેતવણી આપી રહ્યા છે.
તેઓ જયારે એક સમિટને સંબોધતા હતા ત્યારે કહ્યું કે, ક્રિપ્ટોકરન્સી નાણાકીય સ્થિરતા માટે અત્યંત જોખમી છે. ક્રિપ્ટોકરન્સીના મૂલ્યાંકન માટે કોઈ આધાર નથી અને તે સંપૂર્ણપણે અનુમાન પર આધારિત છે. આરબીઆઈએ વારંવાર ક્રિપ્ટોકરન્સી સામે પોતાનો અભિપ્રાય રજુ કરતી રહેતી હોય છે. આરબીઆઈ ગવર્નર પહેલા જ કહી ચૂક્યા છે કે આનાથી દેશની મેક્રો ઈકોનોમિક અને નાણાકીય સ્થિરતા માટે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે.
સરકાર ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે સંસદમાં બિલ પણ લાવવાનું વિચારી રહી છે. પરંતુ હજી સુધી સરકાર તે બિલ લાવી શકી નથી. તાજેતરમાં સંસદમાં આ અંગે સરકારને એક પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સરકારે કહ્યું કે ક્રિપ્ટોકરન્સી વૈશ્વિક મુદ્દો છે. અને માત્ર ભારતમાં નિયમન કરવાથી કામ નહીં ચાલે. સમગ્ર વિશ્વએ સાથે મળીને તેના નિયમન માટે પગલાં લેવા પડશે.
2022-23 નાણાકીય વર્ષ માટે બજેટ બનાવતી વખતે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ક્રિપ્ટોકરન્સીના નફા પર 30 ટકા ટેક્સ લાદ્યો હતો, જે 1 એપ્રિલ, 2022 થી અમલમાં આવ્યો છે. 1 એપ્રિલ, 2022 થી, બિટકોઈન જેવી તમામ ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્સફર પર સરચાર્જ અને સેસ સાથે 30 ટકા આવકવેરા વસૂલાતનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ પછી, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ એટલે કે ક્રિપ્ટોકરન્સી અને નોન-ફંગિબલ ટોકનના ટ્રાન્સફર પર કરવામાં આવેલી ચૂકવણી પર 1% TDS લાદવાની જોગવાઈ અમલમાં આવી છે. 10,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર 1 ટકા TDS લાદવામાં આવ્યો હતો. જો ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરતી વખતે ખરીદનાર પાસે PAN ન હોય તો 20 ટકાના દરે ટેક્સ વસૂલવાનો નિયમ છે. અને જો ખરીદદારે આવકવેરા રિટર્ન ભર્યું ન હોય તો 5% ના દરે TDS ચૂકવવો પડશે. આ રીતના સરકારના નિયમો હાલમાં અમલ થઇ રહ્યા છે.