Published By:-Bhavika Sasiya
- RTO કર્મીની સતર્કતાથી બોગસ પોલીસ સર્ટિ કૌભાંડ પકડાયું
- RC બુકની ખાસ અગત્યતા હોવાના કારણે વાહન માલિકો RC બુક ખોવાઈ જાય ત્યારે ડુપ્લીકેટ RC બુક મેળવવા ઉતાવળા થઇ જતા હોય છે. જેના કારણે બોગસ RC બુક બનાવનારાઓને ફાયદો થાય છે.
તાજેતરમાં અમદાવાદના પાંચ પોલીસ સ્ટેશનના PSIના ડુપ્લિકેટ સિક્કા બનાવનાર શખ્સની વટવા પોલીસે ધરપકડ કરી છે. વટવામાં એક વ્યક્તિની RC બુક ખોવાઈ જતા તેણે ઘોડાસરના RTO એજન્ટનો સંપર્ક કર્યો હતો. ઘોડાસરના આ એજન્ટે સરખેજમાં રહેતા ગુલામ રસુલ સાલારને કામ સોંપ્યું હતું. ગુલામે પોતાના ઘરેથી જ વટવા પોલીસ સ્ટેશનના PSIના ડુપ્લિકેટ સિક્કા સાથેનું પ્રમાણપત્ર બનાવી આપ્યું હતું આરોપી ગુલામની પૂછપરછમાં સામે આવ્યું છે કે સરખેજમાં પોતાના ઘરે જ આ પ્રકારના સિક્કા બનાવતો હતો અને પાંચ પોલીસ સ્ટેશનના PSIના ડુપ્લિકેટ સ્ટેમ્પ તથા પ્રમાણપત્ર તેની પાસે છે. કોમ્પ્યુટરનો જાણકાર હોવાથી ખોટા પ્રમાણપત્ર પણ ઓનલાઇન ડાઉનલોડ કરતો અને તેની પ્રિન્ટઆઉટ કાઢી અને ગ્રાહકોને પ્રમાણપત્ર આપતો હતો.
તો વટવા બીબી તળાવ નજીક રહેતા શાહબાજ મોહમદ અરબ કુરેશી નામનો યુવક ઓલા ઉબેરમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. તેણે બેંક લોનથી બાઈક લીધું હતું પરંતુ RC બુક ખોવાઈ જતા RC બુક નવી મેળવવા માટે ઘોડાસરના એક RTO એજન્ટને કામ સોપ્યું હતું.આ એજન્ટે રૂપિયા ત્રણ હજાર લીધા બાદ કામ સરખેજના એક વૃદ્ધને સોપ્યું અને તેણે RC બુક બીજી મેળવવા માટે RTOમાં જે પોલીસનું પ્રમાણપત્ર આપવાનું હોય છે તે ડુપ્લિકેટ બનાવીને આપ્યું હતું. RTO કચેરીમાં તે સબમિટ કરતા કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. કેમ કે સૌ પ્રથમ તો PSI કક્ષાના અધિકારી પાસે પ્રમાણપત્ર આપવાની સત્તા જ હોતી નથી અને પ્રમાણપત્ર આપ્યું તેમાં જાવક નંબર લખેલો ન હતો જેના લીધે RTOમાંથી પ્રમાણપત્ર રિજેક્ટ થયું હતું. બાદમાં ઘોડાસરના એજન્ટે વટવા પોલીસમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું, કે આવા પ્રકારનું કોઈ પ્રમાણપત્ર વટવા પોલીસ તરફથી આપવામાં જ નથી આવ્યું. તેથી ઘોડાસરમાં રહેતા એજન્ટે સરખેજમાં રહેતા એજન્ટને કામ સોંપ્યું હતું તેને વટવા પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો ત્યારે આખી વાતનો પર્દાફાશ થયો હતો. હાલ આરોપી ગુલામ રસુલ સાલાર ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર છે.
- ડુપ્લિકેટ RC બુક મેળવવા માત્ર આટલુ કરો.
વાહનચાલકની RC બુક ખોવાઈ જાય ત્યારે ડુપ્લિકેટ RC બુક લેવાની રહેતી હોય છે. આ માટે જે-તે પોલીસ સ્ટેશનમાં અરજી આપવાની હોય છે. તેની સાથે નોટરી સાથેની એફિડેવિટ પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવાની હોય છે. ત્યારબાદ જે-તે પોલીસ સ્ટેશન તરફથી એક પ્રમાણપત્ર આપવામાં આવે છે, તેના આધારે જ ડુપ્લિકેટ RC બુક મળતી હોય છે.
RTOના પૂર્વ જનસંપર્ક અધિકારી ધીરુભાઈ પટેલે જણાવ્યું કે RTO કચેરીમાં મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનારા લોકો હોય છે તેવા જ પોલીસ પ્રમાણપત્રો બનાવી આપવાવાળા લોકો પણ હોય છે, આવું કરવા પાછળના કેટલાક કારણો છે.
- કારણ-1 :- ગાડી વેચી હોય અને રૂપિયાની લેવડ દેવડ બાકી હોય ત્યારે આવા ખોટા પોલીસ પ્રમાણપત્ર RTOમાં જમા કરાવીને નવી RC બુક મેળવી લેવામાં આવે છે.
- કારણ-2 :- હપતા ભર્યા ન હોય અને ફાઇનાન્સ કંપનીવાળા વાહન ખેંચી જાય ત્યારબાદ તેવા વાહનોનું ઓક્શન કરવામાં આવે છે. જેમાં વાહનના કોઈ દસ્તાવેજ હોતા નથી. વાહન માલિક FRC મેળવવાની રહેતી હોય છે પરંતુ તેની પ્રોસેસ લાંબી હોવાથી લોકો આવા સમયે ખોટા પોલીસના પ્રમાણપત્ર બનાવીને RC બુક મેળવે છે.