Published By : Patel Shital
- ડ્રગ્સની હેરફેર અને વેચાણમાં બાળકો અંગે 177 કેસો તે પૈકી 251 આરોપીઓ પકડાયા…
ગુજરાતમાં નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ ડ્રગ માફિયા કરી રહ્યા છે. તેવી વિગતો સામે આવતા SOG એ સોગંદનામુ કર્યુ હતું.
તાજેતરમા SOG એ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો જાહેર હિતની રિટ અરજીમાં સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં વિગતવાર અહેવાલ દર્શાવવામાં આવ્યો છે. SOG એ રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના નેટવર્કમાં નાના બાળકોના મામલે 2020થી લઇ 2023 સુધીમાં NDPS એકટ હેઠળ કુલ 177 કેસો અને તેમાં 251 આરોપીઓની ધરપકડ કરાઇ હોવાનો સ્પષ્ટ ખુલાસો કર્યો હતો.
જો કે આ કેસની વધુ સુનાવણી જૂન માસમાં યોજાશે. SOG એ સોંગદનામામાં અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા 251 આરોપીઓમાં 5 જુવેનાઇલ આરોપીઓનો પણ સમાવેશ થાય છે. રાજયમાં ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરવા સરકારે દરોડા, જપ્તી, પેનલ્ટી, આરોપીઓની ધરપકડ સહિતની કાર્યવાહી કરી છે. જો કે જાગૃતિ માટેના 145 જેટલા અવેરનેસ પ્રોગ્રામ્સ પણ કરવામાં આવ્યા છે. સુઓમોટો PIL ની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અદાલત આ સમગ્ર કેસને લઇ ગંભીર છે અને ખુદ મોનિટરિંગ રાખશે. હાઇકોર્ટે બીજો પ્રગતિ અહેવાલ રજૂ કરવા સરકાર પક્ષને નિર્દેશ કર્યો છે. તે સાથે રાજ્યમાં આ કાર્યવાહી દરમિયાન શાળા-કોલેજની આસપાસ તમાકુ અને ડ્રગ્સનું દૂષણ ડામવા માટે નિયમિત તપાસ દરમિયાન કુલ 2,609 જેટલા ગુન્હાઓ નોંધાયા હતા અને જે પેટે રૂ. 3,92,000 ની પેનલ્ટી વસૂલવામાં આવી છે. ઇ-સીગારેટના 4,000 કેસોમાં 45 લાખની કિંમતની ઇ-સીગારેટ જપ્ત કરવામાં આવી છે. જ્યારે સીગારેટના 3,000 કેસો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આવા ગુન્હાહિત નેટવર્કમાં નાના બાળકોનો ઉપયોગ કરાતો હોય તેને અટકાવવા માટે કોઇપણ વ્યક્તિ માહિતી આપે શકે તે માટે 1098 નંબરની હેલ્પલાઇન શરૂ કરી છે.