Published by : Vanshika Gor
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર બનનારી બાયોપિકની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ચૂકી છે. છેલ્લા ઘણા સમયથી આને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી. બાયોપિકનું એલાન ઘણા સમય પહેલા જ કરી દેવામાં આવ્યું હતું. સૌરવ ગાંગુલી પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, અઝહરુદ્દીન અને કપિલ દેવ પર પણ બાયોપિક બની ચૂકી છે. લવ ફિલ્મસ હેઠળ બનનાર આ ફિલ્મની સ્ક્રિપ્ટને સૌરવ ગાંગુલીએ મંજૂરી આપી દીધી છે.
હવે ફિલ્મમાં ભારતીય ક્રિકેટ ટીમના ‘દાદા’નું પાત્ર કોણ ભજવશે તેને લઇને સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં રણબીર કપૂર સૌરવ ગાંગુલીનું પાત્ર ભજવી શકે છે. થોડાક દિવસ અગાઉ, સૌરવ ગાંગુલીએ મુંબઇ આવીને પોતાની બાયોપિકની સ્ક્રિપ્ટને મંજૂરી આપી હતી. ટૂંક સમયમાં જ આ ફિલ્મનું શૂટિંગ કોલકાતામાં શરૂ કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રણબીરને પહેલા ડેટ્સને લઇને સમસ્યા હતી પરંતુ હવે તેને આ ફિલ્મને મંજૂરી આપી દીધી છે. લવ ફિલ્મ્સ અને સૌરવ ગાંગુલી દ્વારા 9 સપ્ટેમ્બર, 2021ના રોજ આ બાયોપિક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. બે વર્ષના રિસર્ચ પછી આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઇ છે. આ ફિલ્મનું બજેટ આશરે 250 કરોડ રૂપિયા હશે.