ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ બુમરાહની જગ્યાએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો સમાવેશ કર્યો છે, જે T20 વર્લ્ડ કપ રમશે.ઓસ્ટ્રેલિયામાં 8મો ટી 20 વર્લ્ડકપ 16 ઓક્ટોબરથી શરુ થશે.
ટીમ ઈન્ડિયાએ જસપ્રીત બુમરાહના સ્થાનની જાહેરાત કરી છે. બુમરાહની જગ્યાએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમ ઈન્ડિયાની મુખ્ય ટીમમાં જગ્યા મળી છે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો અને હવે તેની જગ્યાએ શમીને તક મળી છે.મોહમ્મદ શમી પણ ખરાબ ફિટનેસના કારણે ટીમ ઈન્ડિયાની બહાર હતો. ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ માટે તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી પરંતુ તેને કોવિડ-19 થયો જેના કારણે તે સીરીઝમાં રમી શક્યો નહીં.
મોહમ્મદ શમીને પસંદ કરવાનું મોટું કારણ ઓસ્ટ્રેલિયામાં તેનો અનુભવ છે. શમીએ ઓસ્ટ્રેલિયામાં 8 ટેસ્ટ અને 14 વનડે રમી છે. પરંતુ તેણે ત્યાં માત્ર એક જ T20 મેચ રમી છે. ટી20માં મોહમ્મદ શમીનું પ્રદર્શન ખાસ નથી. તેણે 17 T20 મેચમાં 18 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 9.54 રન છે. જોકે IPL 2022માં તેણે 16 મેચમાં 20 વિકેટ ઝડપી હતી. ગુજરાત ટાઇટન્સની ટાઈટલ જીતવામાં શમીનો મહત્વનો ભાગ હતો.