રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ દ્વારા શોષણનો આરોપ લગાવતા આંદોલનકારી ખેલાડીઓ અને કુસ્તીબાજો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. બ્રિજ ભૂષણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે ખેલાડીઓએ ન્યાયની માંગ સાથે ધરણા પ્રદર્શન કરીને જાતીય સતામણી કાયદાનો સંપૂર્ણપણે દુરુપયોગ કર્યો છે. જો કોઈ રમતવીરનું યૌન શોષણ થયું હોય તો તેણે પોલીસ અને કોર્ટ દ્વારા કાયદા મુજબ વાત કરવી જોઈએ. બ્રિજ ભૂષણે પોતાની અરજીમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા વગેરે સહિતના ખેલાડીઓ વિરુદ્ધ WFI ચીફને રાજીનામું આપવા માટે કાયદાની પ્રક્રિયાનો કથિત રીતે દુરુપયોગ કરવા બદલ FIR નોંધવાના નિર્દેશની માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે બજરંગ પુનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગટ સહિત 30 થી વધુ રેસલર જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. રેસલર્સે ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ અને કેટલાક કોચ પર જાતીય સતામણી સહિત અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. કુસ્તીબાજોનો આરોપ છે કે ફેડરેશન નવા નિયમોની આડમાં ખેલાડીઓને હેરાન કરી રહ્યું છે. કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વિસર્જન અને બ્રિજભૂષણ શરણ સિંહના રાજીનામાની માંગ કરી હતી. આ મામલે રમતગમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન પાસે જવાબ માંગ્યો હતો.