બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ રિલીઝ થયા પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આ ફિલ્મ હવે કાનૂની દાવ-પેચનો સામનો કરશે. ફિલ્મના એક્ટર અક્ષય કુમાર પર કેસ નોંધાયાના સમાચાર સામે આવી રહ્યા છે.
વળતરની માગને લઈને બીજેપી નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી કેસ કરશે. તેમનો દાવો છેકે ફિલ્મમાં રામ સેતૂના મુદ્દાને ખોટી રીતે રજૂ કરાયો છે. કેસ કરવાની જાણકારી પોતે સુબ્રમણ્યમ સ્વામીએ આપી છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/download-5.jpg)
અક્ષય કુમાર પર કેસ નોંધાશે
બીજેપી નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અભિનેતા અક્ષય કુમાર પર કેસ કરશે. સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ દ્વારા જાણકારી આપી છે. સુબ્રમણ્યમ સ્વામીનો દાવો છે કે ફિલ્મમાં રામ સેતુના મુદ્દાને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેમનો દાવો છે કે તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે. પોતાની ટ્વીટમાં સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યુ, વળતરના કેસને મારા સહયોગી એડવોકેટ સત્યા સભ્રવાલ દ્વારા અંતિમ રૂપ આપવામાં આવ્યુ છે. હુ એક્ટર અક્ષય કુમાર અને કર્મા મીડિયા પર તેમની ફિલ્મમાં રામ સેતુ મુદ્દાના ખોટા ચિત્રણના કારણે થયેલા નુકસાનના કારણે કેસ નોંધાવી રહ્યો છુ.
સુબ્રમણ્યમ સ્વામીએ વધુ એક ટ્વીટ કરી છે. તેમણે લખ્યુ, જો અભિનેતા અક્ષય કુમાર વિદેશી નાગરિક છે તો આપણે તેમની ધરપકડ કરવી જોઈએ અને તેમના દત્તક લીધેલા દેશમાંથી બેદખલ કરવા માટે કહી શકીએ છીએ.
ગયા એપ્રિલ મહિનામાં જ ફિલ્મ રામ સેતુનુ પોસ્ટર વાયરલ થયુ હતુ. અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના પોસ્ટરને શેર કર્યો હતો. પોસ્ટરમાં અક્ષય કુમારની સાથે જેકલીન અને સત્યદેવ જોવા મળી રહ્યા છે. ફિલ્મના પોસ્ટરમાં તમે જોઈ શકો છો કે આ ત્રણ એક્ટર કોઈ ઐતિહાસિક સ્થળે જોવા મળી રહ્યા છે. આ ત્રણેય એક ગુફાની અંદર જોવા મળી રહ્યા છે. જેની દિવાલ પર એક અજીબ નિશાન છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/pjimage-2022-04-30T182712.912-1024x576.jpg)
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ આ વર્ષે 2022ની દિવાળી પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનુ શૂટિંગ પણ પૂરુ થઈ ચૂક્યુ છે. અમુક દિવસ પહેલા જ મેકર્સ તરફથી ફિલ્મની રિલીઝ ડેટને ફાઈનલ કરવામાં આવી છે. પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે.