ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થતાં લોકોને ભારે ઝટકો લાગ્યો હતો, પરંતુ 15 દિવસના અંતરમાં જ અદાણી અને ટોરેન્ટ ગેસે CNGના ભાવમાં ઘટાડો કર્યો છે. અદાણી ગેસે CNGમાં 3.48 રૂપિયા ઘટાડ્યા છે, જ્યારે અગાઉ 4 ઓગસ્ટે 1.49 અને 2જી ઓગસ્ટે 1.99 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે ભાવમાં ઘટાડો કરવાથી નવો ભાવ 83.90 રૂપિયા આજથી અમલી બનશે. એ ઉપરાંત ટોરેન્ટ ગેસ દ્વારા પણ CNG અને PNGમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

અદાણીએ ભાવ ઘટાડો કરતા લોકોને રાહત
પેટ્રોલપંપ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રુપ દ્વારા બીજી ઓગસ્ટે CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યારે બે જ દિવસમાં ફરીવાર 1.49 રૂપિયાનો વધારો કરવાથી મોંઘવારીમાં સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો હતો. અગાઉ બે જ દિવસમાં અદાણીએ રૂપિયા 3.48નો ભાવવધારો કર્યો હતો, જે હવે ઘટી જતાં લોકોને સામાન્ય રાહત મળશે. અદાણી દ્વારા ઘટાડવામાં આવેલો આ નવો ભાવવધારો આજથી જ અમલી ગણાશે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે, પરંતુ હવે ફરીવાર ભાવમાં ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળશે.




