- ‘હે કાળિયા ઠાકર, મારી ગાયોને લંપીથી બચાવી લેજે તો એમને પગપાળા લઈ આવીને તમારા દર્શન કરાવીશ’
- વહીવટી તંત્રની ખાસ મંજૂરીથી રાત્રે જગત મંદિરના દ્વાર ખુલ્યા અને કચ્છથી આવેલી ગૌમાતાએ કાળિયા ઠાકરના દર્શન, પ્રદક્ષીણા કરી
દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા જગત મંદિરમાં પ્રથમ વાર એવું બન્યું કે, 25 ગાયો માટે રાત્રે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હોય અને 450 કિલોમીટરની પદયાત્રા કરીને છેક કચ્છના રાપર પાસેના નાના રણમાં આવેલા મેડક બેટથી આવેલી ગાયોએ મંદિરની અંદર જઈને દ્વારકાધીશના દર્શન કર્યા હોય ! તાજેતરમાં બનેલી આ ઘટનાએ આખી દ્વારકા નગરીને ભાવવિભોર બનાવી દીધી છે. આખા દેશમાં સૌપ્રથમ વખત કચ્છના લખપતથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી અને પશુપાલકો ભયથી ફફડી ઊઠ્યા હતા એ સમયમાં કચ્છના રાપર તાલુકાના મેડક બેટના મહાદેવભાઇ દેસાઈ નામના એક માલધારીએ પોતાના પશુધનને આ ઘાતક વાયરસથી બચાવી લેવા માટે દ્વારકાધીશની માનતા માની હતી કે, ‘હે કાળીયા ઠાકર, મારી ગાયોને લમ્પીથી બચાવી લેજે તો એમને પગપાળા લઈ આવીને તમારા દર્શન કરાવીશ.’

ગૌ-ધન સાથે તેઓ પગપાળા દ્વારકા આવવા નીકળી પડ્યા
કચ્છના આ પશુપાલક પાસે એ સમયે 25 ગાયો હતી અને આ ગાયોમાંથી કોઈને પણ લમ્પીની અસર થઈ નહોતી. આથી, કાળિયા ઠાકરની મહેરબાનીથી જ આવું થયું હોવાનું સમજીને પોતાના ગૌ-ધન સાથે તેઓ પગપાળા દ્વારકા આવવા નીકળી પડ્યા હતા. કચ્છથી દ્વારકા સુધી 450 કિલોમીટરનું પગપાળા અંતર કાપીને તેઓ આવી પહોંચ્યા ત્યારે સવાલ એ ઉઠ્યો કે, દિવસે તો મંદિરમાં અન્ય શ્રદ્ધાળુઓ દર્શન કરતા હોય છે ત્યારે આ ગાયોને મંદિરમાં કેવી રીતે લઈ જવી ?
મંદિરની પરિક્રમા કરીને 25 ગૌમાતા સાથે મંદિરમાં પ્રવેશી
આથી વહીવટી તંત્રની સ્પેશિયલ મંજૂરીથી ગાયોને કાળીયા ઠાકર ના દર્શન કરાવવા માટે રાત્રે જગત મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. પોતાના પાંચ ગૌસેવકો અને 25 ગાયોની સાથે દ્વારકા પહોંચેલા મહાદેવભાઇએ જગત મંદિરની પરિક્રમા કરીને 25 ગૌમાતા સાથે મંદિરમાં પ્રવેશી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.