- હજારો કીમીની પદયાત્રા કરતાં પરિક્રમાવાસીઓ માટે સુવિધાઓનો અભાવ
પાવન સલિલામા નર્મદાની પરિક્રમા કરતાં પરિક્રમાવાસીઓ માટે મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થતી પરિક્રમામાં જોડાતાં શ્રધ્ધાળુઓ હજારો કિલોમીટરનું અંતર કાપી ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરતાં હોય છે ત્યારે માર્ગમાં યોગ્ય સુવિધાઓના અભાવે પરિક્રમાવાસીઓ મંદિરો, આશ્રમો કે સેવાભાવીઓ તરફથી કરાતી સેવા પર નિર્ભર હોય છે. હાંસોટના વમલેશ્વરથી પરિક્રમાવાસીઓ બોટમાં બેસી સામે કિનારે આવેલાં મીઠી તલાઇ આશ્રમ ખાતે પહોંચે છે અને ત્યાંથી પરિક્રમાનો બીજો તબકકો શરૂ થતો હોય છે.હજારો કિલોમીટરનું અંતર કાપીને આવતાં પરિક્રમાવાસીઓ તેમજ હાંસોટ તાલુકાના ગામડાઓના જરૂરીયાતમંદ દર્દીઓ માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીયમાં નર્મદા પરિક્રમા સેવા સંઘ તથા પારૂલ યુનિવર્સિટીના સહયોગથી આ આયોજન કરાયું હતું. નર્મદા સંગમ સ્થાન ખાતે આવેલાં વમલેશ્વર રમહાદેવ મંદિરનાં પ્રાંગણ કેમ્પ યોજાયો હતો.જેમાં પંચકર્મ , મેડીસીન, સ્ત્રીરોગ, સર્જરી, બાળરોગ, આંખ – નાક – કાન વિભાગ, દાંત વિભાગ જેવા અલગ અલગ પ્રકારના વિભાગોના નિષ્ણાંત તબીબોએ સેવાઓ આપી હતી.
ભરૂચ જિલ્લામાં દર વર્ષે 3 લાખ જેટલાં પરિક્રમાવાસીઓ આવતાં હોય છે. આ પરિક્રમાવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા સેવાભાવીઓ દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર તરફથી પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે તો પરિક્રમાવાસીઓની સુવિધાઓમાં વધારો થઇ શકે તેમ છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં હાલ ઠેર ઠેર પરિક્રમાવાસીઓની હાજરી જોવા મળી રહી છે. હજારો કિલોમીટર સુધી પગપાળા જતાં પરિક્રમાવાસીઓ સુવિધા માગી રહયાં છે.