Published by : Vanshika Gor
આમ આદમી પાર્ટી અને તેના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલ માટે સારા સમાચાર સામે આવ્યા છે દિલ્હી અને પંજાબમાં સત્તા મેળવનારી પાર્ટીને ચૂંટણી પંચે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપી દીધો છે. જ્યારે બીજી તરફ એનસીપી, ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસ (એઆઇટીસી), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆઇ)નો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો પાછો લેવામાં આવ્યો છે. તેથી હવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઇ છે જ્યારે આ ત્રણ પક્ષો સ્થાનિક બની ગયા છે.
ગયા સપ્તાહે જ કર્ણાટક હાઇકોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે આમ આદમી પાર્ટીને 13મી એપ્રીલ સુધીમાં રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવા અંગે નિર્ણય લેવામાં આવે. આદેશના અમલના બે દિવસ પહેલા જ ચૂંટણી પંચે આ નિર્ણય લઇ લીધો હતો અને આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષ જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે આપનું કદ હવે અન્ય રાષ્ટ્રીય પક્ષોની સમકક્ષ થઇ ગયું છે.
આપ આ પહેલા ત્રણ રાજ્યો દિલ્હી, પંજાબ, ગોવામાં છ ટકાથી વધુનો વોટશેર પ્રાપ્ત કરી ચુકી હતી અને ગુજરાતમાં પણ આ આંકડો પાર કરી લીધો હોવાથી તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. દરમિયાન આ સાથે જ ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોકદળ (આરએલડી), બંગાળમાં રિવોલ્યૂશનરી સોશિયલિસ્ટ પાર્ટી (આરએસપી), આંધ્રમાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) પાસેથી રાજ્ય પાર્ટી તરીકેનો દરજ્જો પરત લેવામાં આવ્યો છે. જ્યારે લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને નાગાલેંડમાં, ટિપરા મોથા પાર્ટીને ત્રિપુરામાં, વોઇસ ઓફ ધ પીપલ પાર્ટીને મેઘાલયમાં રાજ્ય પાર્ટીની માન્યતા આપવામાં આવી છે.