આયુષ્માન ભારત યોજનાનાં ચાર વર્ષ પૂર્ણ થયા છે અને 46% રકમ ફક્ત પાંચ રાજ્યમાં ખર્ચાઈ ગઈ છે તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના કુલ 15.88 કરોડ લોકો નોંધાઈ ચૂક્યા છે. તેમાંથી 3.61 કરોડો લોકોને મફત સારવાર મળી ચૂકી છે. છેલ્લાં ચાર વર્ષમાં સારવાર પાછળ રૂ. 45,781 કરોડનો ખર્ચ કરાયો છે. આ યોજના હેઠળ અત્યાર સુધી થયેલી સારવાર અને ખર્ચની વિગત જોતાં આ યોજના હેઠળ સૌથી વધુ 3.11 કરોડ દર્દી મધ્યપ્રદેશમાં નોંધાયા છે, પરંતુ સારવાર ફક્ત 21 લાખને મળી છે. બીજી તરફ, મધ્યપ્રદેશની તુલનામાં તમિલનાડુમાં ત્રણ ગણા વધુ લોકોને સારવાર અપાઈ છે. તમિલનાડુમાં કુલ 1.54 કરોડ લોકો નોંધાયેલા છે, જેમાંથી 67 લાખ લોકોને સારવાર અપાઈ ચૂકી છે. જે અંગે એસોસિયેશન ઓફ હેલ્થકેર પ્રોવાઈડર્સ ઈન્ડિયાના ડિરેક્ટર જનરલ ડૉ. ગિરધર જ્ઞાનીએ કહ્યું કે, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલેથી ઘણું મજબૂત છે. આ રાજ્યોની સરકારોએ યોજનાને અસરકારક રીતે લાગુ કરી છે.
ગુજરાતમાં 33.23 લાખ દર્દી પાછળ રૂ. 6,329 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને છત્તીસગઢમાં જ દેશની 46% રકમ ખર્ચાઈ ગઈ છે. આવુ થવાનુ કારણ એ છે કે સારવાર કરાવનારા 57% દર્દી પણ આ રાજ્યો માંજ નોંધાયા છે. એકલા ગુજરાતમાં જ રૂ. 6,329 કરોડ ખર્ચ થયો છે, જ્યારે અહીં સારવાર કરાવનારા દર્દીઓની સંખ્યા 33.23 લાખ છે. આ સંખ્યા કર્ણાટક, કેરળ અને તમિલનાડુની તુલનામાં ઓછી છે. તમિલનાડુમાં 67.34 લાખ દર્દીની સારવાર પાછળ રૂ. 5424.48 કરોડ ખર્ચ થયા છે.