Published by : Anu Shukla
- ત્રણ હજારથી વધુની ધરપકડ મુદ્દે આસામ સરકારને હાઇકોર્ટની ફટકાર
- બાળ લગ્નો ના કેસમાં પોક્સોની કલમો લગાવવી અજીબ, હવે પૂછપરછની જરૂર ન હોવાથી જામીન મંજૂર
- આ પ્રકારની કાર્યવાહીથી બાળકો, વૃદ્ધો અને પરિવારજનો પર અસર પડી શકે છે: હાઇકોર્ટની ટકોર
આસામ સરકારે બાળ લગ્નોને અટકાવવા માટે આડેધડ ધરપકડો શરૂ કરી દીધી હતી, અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે પાંચ હજાર જેટલા બાળ લગ્નોના કેસો દાખલ કરી દેવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે લોકોમાં પણ રોષ વધી રહ્યો છે ત્યારે આસામની ગુવાહાટી હાઇકોર્ટે આસામ સરકારને ફટકાર લગાવી છે અને જે પણ લોકોની ધરપકડ કરવામાં આવી હોય તેમને છોડી મુકવાનો આદેશ આપ્યો છે.
હાઇકોર્ટે કહ્યું હતું કે આ સમગ્ર મામલામાં આરોપીઓને વધુ સમય સુધી અટકાયતામાં રાખીને પૂછપરછ કરવાની હવે કોઇ જરૂર નથી તેથી તેમને છોડવામાં આવે. આ સાથે જ હાઇકોર્ટે બાળ લગ્નોમાં પુરુષોની સામે પોક્સો જેવા કઠોર કાયદાની કલમો લગાવવા બદલ પણ આસામ સરકારને ફટકાર લગાવી હતી. અને કહ્યું હતું કે આ બહુ જ અજીબ પ્રકારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આરોપીઓ દ્વારા આગોરતરા જામીન માટે સામૂહિક રીતે જ અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ ફટકાર લગાવી હતી. હાઇકોર્ટના ન્યાયાધીશ સુમન શ્યામે તાત્કાલીક બધા જ આરોપીઓને જામીન પર છોડવાના આદેશ આપ્યા હતા.
જો તમને કોઇ દોષી જણાય તો તેની સામે ચાર્જશીટ દાખલ કરી શકો છો તેવી સ્પષ્ટતા પણ કોર્ટે કરી હતી. કોર્ટે સાથે એમ પણ કહ્યું કે આ બાળ લગ્નનો મામલો છે, કોઇ ડ્રગ્સ તસ્કરી, સ્મગલિંગ કે સંપત્તિની ચોરી સાથે જોડાયેલો મામલો નથી. આ પ્રકારની કાર્યવાહીથી લોકોના અંગત જીવન પર અસર પડી શકે છે. આ મામલા બાળકો, પરિવારના સભ્યો, વૃદ્ધો સાથે જોડાયેલા છે. આવા કેસમાં ધરપકડ બેશક કોઇ સારો વિચાર નથી, આ ખરેખર ખરાબ વિચાર છે.