Published by : Rana Kajal
ઉનાળામા જુદા જુદા કોલ્ડ્ડ્રિંકસ પીવાથી આરોગ્ય અંગેની કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. તેના કરતાં નેચરલ પીણાં ગરમી સામે રક્ષણ આપે છે સાથેજ શરીરની તંદુરસ્તી પણ જાળવે છે જેમકે …..
શેરડીનો રસ
આ એક નેચરલ એનર્જી બૂસ્ટર ડ્રિંક છે. આ દેશી ડ્રિંકને લોકો પસંદ કરે છે. ગરમીની સાથે 1 ગ્લાસ શેરડીનો રસ શરીરમાં ઠંડક પ્રસરાવવાનું કામ કરે છે. તે શરીરને ફરીથી ઉર્જાથી ભરી દે છે. શેરડીનો રસ શરીરને હાઈડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે. હીટવેવના સમયે લૂ લાગવાથી બચાવવામાં મદદ કરે છે.
નારિયેળનું પાણી
નારિયેળનું પાણી ઉર્જાનો એક સારો સોર્સ છે. ગરમીની સીઝન શરૂ થતાં લોકો નારિયેળ પાણીનું સેવન શરૂ કરે છે. પોષક તત્વોથી ભરપૂર નારિયેળ પાણી એનર્જીનું પાવર હાઉસ છે. નારિયેળ પાણી પીવાથી પેટની ગરમી શાંત થાય છે. આ સિવાય ડાયજેશનને પણ સારું કરવામાં મદદ કરે છે. એક રીતે આંતરડાની સફાઈમાં પણ તે કારગર રહે છે.
કેરીનો પન્નો
કાચી કેરીથી બનેલો પન્નો એક પારંપરિક દેશી ડ્રિંક છે. મોટાભાગના ઘરમાં ઉનાળામાં કેરીના પન્નાનો ઉપયોગ કરાય છે. તેના સેવનથી ગરમીની સાથે લૂનો ખતરો પણ ઓછો રહે છે. ગુણોથી ભરપૂર કેરીનો પન્નો બપોરના તડકાની વચ્ચે શરીરને ડિહાઈડ્રેટ થવાથી બચાવે છે અને પેટની ગરમીને શાંત કરવામાં લાભદાયી રહે છે.
છાશ
ઉનાળાની સીઝન શરૂ થતાં જ તમામ ઘરમાં દહીં અને છાશનો ઉપયોગ થવા લાગે છે. દહીંને વલોવીનો તૈયાર કરાતી છાશ દહીંથી વધુ લાભદાયી હોય છે. તેનું સેવન શરીરમાં પાણીની ખામી રાખતું નથી પણ પાચનને સુધારવામાં મદદ કરે છે. તેને પીવાથી પેટની ગરમી વધતી નથી અને લાંબા સમયની કબજિયાતથી પણ રાહત મળે છે. રોજ છાશ પીવાથી આંતરડાની સફાઈમાં મદદ મળે છે.
લીંબુ પાણી
આમ તો તે તમામ સીઝનમાં પીવાતું દેશી પીણું છે. પણ ગરમીની સીઝનમાં તેનું મહત્ત્વ વધી જાય છે. લીંબુ પાણી પેટ સંબંધી સમસ્યામાં લાભદાયી છે. બોડીમાં પાણીની ખામીને દૂર કરવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી લાંબા સમયની કબજિયાતની સમસ્યા ઘટે છે. આ સિવાય આંતરડાની સફાઈ થાય છે. વિટામિન સીથી ભરપૂર લીંબુ પાણી સમરમાં શરીરની ઈમ્યુનિટીને વધારવાનું કામ કરે છે.