Published By:-Bhavika Sasiya
અતીક ના પુત્ર અસદનુ એન્કાઉન્ટર થયા બાદ એન્કાઉન્ટર અંગે લોકોમાં જિજ્ઞાસા વધી ગઇ છે…એન્કાઉન્ટર અંગે નો કોઇ ચોક્કસ કાયદો નથી પરંતુ ગાઈડ લાઈન જરૂર છે અસદનાં એન્કાઉન્ટર બાદથી જ હવે ભારતમાં એન્કાઉન્ટર માટે શું કાયદો છે? તેના માટે શું નિયમો બનાવવામાં આવ્યા છે? અને દેશમાં માનવ અધિકારો પર નજર રાખતી સંસ્થા NHRC અને ભારતની સુપ્રીમકોર્ટે પોલીસને શું દિશા-નિર્દેશો જાહેર કર્યા છે? તેને લઈને સવાલો થવા લાગ્યા છે.
ભારતમાં કાયદો વ્યવસ્થાનું પુસ્તક ઈન્ડિયન પીનલ કોડ અને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર અથવા ભારતના બંધારણમાં ક્યાંય પણ એન્કાઉન્ટર શબ્દ અથવા એવી કોઈ પરિસ્થિતિનો ઉલ્લેખ નથી. તેમ છતાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને કેટલીક ચોક્કસ સત્તા આપવામાં આવી છે. આ અધિકારો હેઠળ કોઈપણ વ્યક્તિ જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પડકાર બની શકે તેને તેના પર લાગેલા આરોપોની તપાસ ન થાય ત્યાં સુધી કસ્ટડીમાં રાખવાનો અધિકાર છે. આવા સંજોગો મા જ્યારે પોલીસ કોઈ વ્યક્તિને કસ્ટડીમાં લે કે કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કરે છે ત્યારે રીઢા ગુનેગારો કેટલીકવાર પોલીસની સામે આત્મસમર્પણ કરવાનો ઇનકાર કરી દે છે. આવી સ્થિતિમાં પોલીસે તેમને કાબૂમાં લેવા બળપ્રયોગ કરવો પડે છે. કાયદા પંચ આવી સ્થિતિમાં બંને પક્ષો દ્વારા કરાતા બળપ્રયોગ માટે એન્કાઉન્ટર શબ્દનો ઉપયોગ કરે છે. જૉકે કાયદાકીય ભાષા મુજબ, જ્યારે કોઈ ગુનેગાર પોલીસ સામે બળપ્રયોગ કરે છે અથવા તે કરવાનો પ્રયાસ કરે છે ત્યારે આવા સમયે જ્યારે પોલીસ સ્વ-બચાવમાં અથવા ગુનેગારને નિયંત્રિત કરવા માટે જે પ્રયાસ કરે છે તેને એન્કાઉન્ટર તરીકે ઓળખવામાં આવે છે. જો કે ભારતમાં એન્કાઉન્ટર માટે કોઈ કાયદો જ નથી, પરંતુ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે દેશની સુપ્રીમકોર્ટે એન્કાઉન્ટરને લઈને કેટલાક દિશાનિર્દેશો જાહેર કર્યા છે. જૉકે
સુપ્રીમ કોર્ટની પ્રથમ ગાઈડલાઈન જણાવે છે કે જ્યારે પણ પોલીસને કોઈ ગુપ્ત માહિતી મળે છે ત્યારે કોઈપણ કાર્યવાહી કરતા પહેલા પોલીસ માટે તેને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રેકોર્ડ કરવું જરૂરી છે.
જો પોલીસ કાર્યવાહીમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો કાર્યવાહીમાં સામેલ પોલીસકર્મીઓ સામે તાત્કાલિક અસરથી ગુનાઈત FIR દાખલ થવી જોઈએ.
એફઆઈઆર નોંધાયા બાદ ઘટનાની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. ઘટનાની તપાસ CID અથવા અન્ય કોઈ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા થવી જોઈએ. તપાસમાં ગુનેગાર, ગુનો અને ઘટનાની સંપૂર્ણ વિગતો લેખિતમાં વિગતવાર ઉપલબ્ધ હોવી જ કોઈપણ સંજોગોમાં પોલીસ એન્કાઉન્ટરની સ્વતંત્ર મેજિસ્ટ્રિયલ તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘટના પછી ઘટનાનો સંપૂર્ણ અહેવાલ મેજિસ્ટ્રેટ સાથે શેર કરવો ખૂબ જ જરૂરી છે.તે સાથે એન્કાઉન્ટર પછી ઘટનાનો સંપૂર્ણ અહેવાલ અધિકાર ક્ષેત્ર હેઠળ આવતી સ્થાનિક કોર્ટ સાથે લેખિતમાં શેર કરવો જોઈએ.એન્કાઉન્ટરના અધિકારક્ષેત્ર હેઠળના પોલીસ સ્ટેશને ઘટનાની માહિતી મળતાની સાથે જ દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને તરત જ એફઆઈઆર નોંધવી જોઈએ, જો તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં ન આવે તો સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તેના માટે સીધા જવાબદાર ગણાશે.
આરોપીના મૃત્યુ સાથે સંબંધિત દરેક હકીકત અને સંજોગોની નોંધ લેવી જોઈએ અને આ અંગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. માનવાધિકાર પંચનું કહેવું છે કે આ કેસમાં પોલીસ પોતે જ પ્રથમ પક્ષકાર છે તેથી આ ઘટનાની તપાસ રાજ્યની સ્વતંત્ર તપાસ એજન્સી CID દ્વારા થવી જોઈએ.
માનવાધિકાર પંચે નિર્દેશ આપ્યો છે કે એન્કાઉન્ટરની તપાસ ચાર મહિનામાં પૂરી કરવામાં આવે અને જો પોલીસ અધિકારીઓ આ તપાસમાં દોષિત ઠરે તો તેમની સાથે ગુનેગારો તરીકે વ્યવહાર કરવામાં આવે અને હત્યાનો કેસ ચલાવવામાં આવે.
માનવાધિકાર પંચનું કહેવું છે કે, એન્કાઉન્ટરની મેજિસ્ટ્રેટ તપાસ ત્રણ મહિનામાં પૂરી થવી જોઈએ. ઘટના બાદ મૃતકના સંબંધીઓને જાણ કરવાની પોલીસની ફરજ છે.દેશની સુપ્રીમકોર્ટ અને માનવાધિકાર પંચ(NHRC)ની પોલીસ એન્કાઉન્ટરને લઈને કડક ગાઈડલાઈન છે. સુપ્રીમકોર્ટે દેશભરમાં જુદા જુદા રાજ્યોમાં પોલીસ એન્કાઉન્ટર પર અનેક વખત સવાલો ઉઠાવ્યા છે. તેનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુનેગારને અંકુશમાં રાખતી વખતે પોલીસે સ્વબચાવના છેક છેલ્લા વિકલ્પ તરીકે એન્કાઉન્ટરને પસંદ કરવું જોઈએ. આ મામલામાં કોર્ટ કેટલી કડક છે તેનો ખ્યાલ એના પરથી આવી જાય છે કે તેણે નકલી એન્કાઉન્ટરની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે અમે એવા પોલીસકર્મીઓને કહેવા માંગીએ છીએ કે જેઓ એવું વિચારે છે કે તેઓ કોઈનું એન્કાઉન્ટર કરીને બચી જશે તો અમે તેમને જણાવી દેવા માગીએ છીએ કે ફાંસીની સજા તેમની રાહ જુએ છે.