ઓસ્કર માટે ભારત તરફથી આ વર્ષે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ને સત્તાવાર રીતે નોમીનેટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ૬ બાળ કલાકારોએ રોલ ભજવ્યો છે જે પૈકી એક બાળ કલાકારનું અવસાન થયું છે. ૨ જી ઓક્ટોબરના રોજ માત્ર ૧૫ વર્ષની વયે બાળ કલાકાર રાહુલ કોળીનું બ્લડ કેન્સરથી નિધન થયું હતું. રાહુલના પરિવારે સોમવારે એટલે ૧૦ ઓકટોબરના રોજ જામનગરના હાપા ગામ ખાતે પ્રાર્થના સભા રાખી હતી. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’માં રાહુલે ખુબ સારું કામ કર્યું છે. તેના કામના ફિલ્મ ફેસ્ટિવલમાં પણ વખાણ કરવામાં આવ્યા છે. રાહુલ સિવાય આ ફિલ્મમાં ભાવિન, ઋચા મીના, ભાવેશ શ્રીમલી, પરેશ મહેતા અને ટિયા સબેશ્ચિયે મુખ્ય રોલ ભજવ્યો હતો.
મૂળ જામનગરના હાપા ગામ ખાતે રહેતા રાહુલ કોળીને થોડા મહિનાઓ પહેલા તાવ આવ્યો હતો. તાવને પગલે અનેક વાર દવાઓ કરાવ્યા બાદ પણ સારું થયું ન હતું. આ અંગે તેઓએ હોસ્પીટલમાં તપાસ કરાવતા લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર હોવાનું ડોકટરે જણાવ્યું હતું. તેને ઈલાજ માટે જામનગર બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાહુલનો ઈલાજ ચાલી રહ્યો હતો. અને તેનું બોન મેરો પણ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું.જો કે ફિલ્મની રીલીઝ પહેલા માત્ર ૧૫ વર્ષની વયે રાહુલનું નિધન થતા સૌ કોઈ ચોકી ઉઠ્યા છે.