કાંદિવલીમાં વેબ સિરિઝના નામે ન્યૂડ વિડીયો બનાવી ઓનલાઈન પ્રદર્શિત કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલામાં એક જણની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપી ફરાર છે. વિડીયો ડિલીટ કરવા આરોપીઓએ ખંડણી માગી હતી.
ફરિયાદી મોડેલે અનેક જાહેરાતમાં કામ કર્યું હોવાનું કહેવાય છે તે હિન્દી ફિલ્મમાં કામ કરવા માગતી હતી તેણે પોતાના ફોટા સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર અપલોડ કર્યા હતા. ઓકટોબર, ૨૦૨૨માં અજાણી વ્યક્તિએ પીડિતાને ફોન કરી વેબ સિરિઝ બનાવી રહ્યા હોવાનું કહ્યું હતું. આ વેબ સિરિઝનો વિષય બોલ્ડ છે અને ભારતમાં રિલીઝ કરાશે એમ જણાવ્યું હતું. આથી ફરિયાદી યુવતીએ ના પાડી દીધી હતી. જો કે બાદમાં ફરી આરોપીએ પીડિતાને ફોન કરી વેબ સિરિઝ વિદેશમાં રિલીઝ કરવાનું કહ્યું હતું. આથી મોડેલ તેમની સાથે કામ કરવા તૈયાર થઈ ગઈ હતી.
કાંદિવલીના ચારકોપ વિસ્તારના આલીશાન ફલેટમાં ફરિયાદીને બોલાવવામાં આવી હતી. ત્યાં ચાર આરોપી હાજર હતા. આરોપી અનિરુદ્ધ વેબ સિરિઝમાં દ્દિગ્દર્શક અભિનેતા હતો. જ્યારે અણીન સહકલાકાર હતો આ સિવાય યાસ્મિન અને આદિત્ય પણ ત્યાં હતા. આરોપીઓએ ધમકી આપી પીડિતાનો અશ્લીલ વિડીયો બનાવ્યો હતો. આ પોર્નોગ્રાફિક વિડીયો એક ખાનગી એપ પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ફરિયાદીના એક સંબંધીએ વિડીયો જોયા બાદ તેને જાણ કરી હતી. પછી મોડેલે આરોપીને ફોન કરી વિડીયો ડિલીટ કરવા કહ્યું હતું. પરંતુ તેમણે ફરિયાદી પાસે ખંડણી માગી હતી. છેવટે મોડેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી અનિરુદ્ધને પકડીને વધુ તપાસ આદરી છે.