Published by : Rana Kajal
વડોદરા
શેર માટીની ખોટ પુરવા માટે દંપતી પથ્થર એટલા દેવ કરે છે. સાથે દવાઓ પણ કરાવે છે. છતા, સંતાન સુખ મળતું હોતું નથી. ત્યારે દંપતી કોઇપણ વ્યક્તિ સંતાન સુખ માટે દોરા-ધાગા કરવાનું કહે અથવા દેશી દવાનો ઉપચાર બતાવે ત્યારે આંધળો વિશ્વાસ મૂકી દેતા હોય છે. એક સપ્તાહ પૂર્વે વાઘોડિયા રોડ ઉપર ઠગ કિન્નર નિશાંત દંપતીને સંતાન પ્રાપ્તીની લાલચ આપીને પૂજા-પાઠ કરવાના બહાને સોનાના દાગીના તેમજ રોકડ લઇ રફૂચક્કર થઇ ગયો હતો. જે-તે સમયે પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વાઘોડિયા રોડ ઉપર રહેતા તનવીબેન ઇવેન્ટ પ્લાનર તરીકે કામ કરે છે. એક સપ્તાહ પૂર્વે તેમના ફ્લેટમાં કિન્નર આવ્યો હતો અને લોકોના ઘરોમાં જઇ માતાજીના નામે દાપુ ઉઘરાવી રહ્યો હતો. આ કિન્નર ફ્લેટના એક પછી એક ઘરમાંથી દાપુ ઉઘરાવીને તનવીબેનના ઘરે પણ આવી પહોંચ્યો હતો અને દાપુની માંગ કરી હતી. કિન્નર દાપુ માંગતા તનવીબેને 20 રૂપિયા આપ્યા હતા. 20 રૂપિયા દાપુ લીધા બાદ કિન્નરે પાણી માંગતા અને ગરમી લાગતી હોવાનું જણાવતા કિન્નર ઉપર ભાવુક થઇ ગયેલી તનવીએ કિન્નરને ઘરમાં બેસાડ્યા હતા. તે સમયે તનવીબેનના પતિ પણ ઘરમાં હતા.
તનવીબેન સંતાન માટે વાત કરતા કિન્નરે જણાવ્યું હતું કે, માતાજી સારા દિવસો લાવશે. ચિંતા કરશો નહીં, તેમ જણાવતા શેર માટીની ખોટ પુરવા માટે દંપતીએ કિન્નરમાં પોતાનું સપનું પૂરું થવાનું જોઇ બેઠા. ઠગ કિન્નરે દંપતિનો વિશ્વાસ કેળવી લીધા બાદ માતાજીની પૂજા-પાઠ કર્યાં બાદ સંતાન પ્રાપ્તી અવશ્ય થશે તેમ જણાવતા દંપતીએ સોનાની ચેઇન, સોનાની વીંટી અને રૂપિયા 1200 રોકડા આપી દીધા હતા. કિન્નરે સોનાના દાગીના અને રોકડ હાથમાં આવ્યા બાદ 15 મિનિટમાં આવું છું. તેમ જણાવીને ઘર છોડ્યા બાદ પરત ફર્યો ન હતો. કલાકો સુધી કિન્નર ન આવતા દંપતીને લાગ્યું હતું કે, કિન્નર છેતરપિંડી કરી દાગીના અને રોકડ પડાવી ગયો.દરમિયાન તનવીબહેને ઠગ કિન્નર સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસે અજાણ્યા કિન્નર સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જો કે, પાણીગેટ પોલીસને કિન્નરને ઝડપી પાડવામાં સફળતા મળી ન હતી. પરંતુ, ક્રાઇમ બ્રાંચને કિન્નરને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એમ.એફ. ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ક્રાઇમ બાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી આધારે ડભોઇ રોડ વિસ્તાર ખાતેથી કાર સાથે શંકાસ્પદ ઇસમ મહેશનાથ ઝવેરનાથ પરમાર ઉ.વ 41 (રહે,તરઘડી,રાજકોટ) મળી આવ્યો હતો. જેની કારની તપાસ કરતા તેમાંથી મોબાઇલ,પ્લાસ્ટીકની થેલીમાં સાડી,બ્લાઉઝ,ચણીયો, સોનાની એક ચેઇન,એક વીટી તથા રોકડા રૂપિયા 1,200નો મુદ્દામાલ મળી આવ્યો હતો.કારમાંથી મળેલા મુદ્દામાલ અંગે મહેશનાથ પરમારે કોઇ આધાર પુરાવા રજૂ કર્યા ન હતા. તેની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યુ હતું કે, એક અઠવાડિયા પહેલા ઠગાઈ કરવાના હેતુસર કારમા વડોદરા આવી સાડી, બ્લાઉઝ, ચણીયાની મદદથી કિન્નર જેવો વેશ ધારણ કરી વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા પતિ-પત્નિને સંતાનપ્રાપ્તિની લાલચ આપી પૂજા કરવાના બહાને છેતર્યા હતા.5.65 લાખનો મુદ્દામાલ કબજે ઠગ દંપતી પાસેથી સોનાની ચેઇન તથા એક વીટી અને રૂપિયા 1,200ની રકમ મેળવી થોડીવારમાં પરત આવવાનું જણાવ્યુ હતું. પરંતુ, પરત ફર્યો ન હતો અને વિશ્વાસઘાત અને ઠગાઇનું ગુનાહિત કૃત્ય કર્યુ હતુ. આરોપી મહેશનાથ ઝવેરનાથ પરમાર પાસેથી કુલ રૂપિયા 5,62,350નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને તેને પાણીગેટ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી જુદા-જુદા નામ ધારણ કરી આર્થિક ફાયદા માટે કિન્નરનો વેશ ધારણ કરી ઠગાઇના ગુના આચરતો હતો. આ મુજબના ગુનાઓમાં રાજ્યના ગોધરા, ગાંધીનગર, ડીસા, વડોદરા, અમદાવાદ, સુરત, કચ્છ, ભરૂચ ખાતેના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં 15થી વધુ ગુનાઓમાં પકડાયેલ છે. તે ઉપરાંત મારામારી, જુગાર અને દારૂ પીવાના ગુનામાં અમદાવાદ તથા રાજકોટમાં જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે.