• ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ
  • જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને  રાત્રીસભાનું આયોજન થયું

ભરૂચ:  ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને જિલ્લાના ખેડુતો રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવા વગરની પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા હેતુસર જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, ભરૂચ, આત્મા પ્રોજેક્ટ સંયુક્ત પ્રયાસથી “કૃષિ ઉત્કર્ષ પહેલ”ની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યકક્ષસ્થાને “કૃષિ ઉત્કર્ષ પહેલ” અંતર્ગત રાત્રીસભાનું આયોજન આમોદ તાલુકામાં ખાતે કરાયું હતું.

     આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, આગામી સમયમાં ભરૂચ જિલ્લામાં ૧૦,૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે જિલ્લા વહવટી તંત્ર તરફથી અનેક જાગૃતીના કાર્યક્રમ યોજવામાં આવશે. તદ્ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી પેઢીને સાચવવા માટે પણ આ પ્રાકૃતિક ખેતી અનિવાર્યતા દર્શાવીને આ તરફ વળવા ખેડૂતોને અપીલ કરી હતી.

      ભરૂચના આમોદ તાલુકાના વિવિધ ગામમાંથી સરપંચશ્રીઓને તથા ખેતી કરતાં ખેડૂતોને આમંત્રિત કરી જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ખેતીવાડી અધિકારીની હાજરીમાં આમંત્રિત તમામ લોકોને પ્રાકૃતિક ખેતી વિશેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી આયામોનું લાઇવ ડેમોંસ્ટ્રેશન કરી બતાવવામાં આવ્યું હતું.  

        રાત્રીસભામાં  જિલ્લા ખેતવાડી અધિકારી, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા , સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના કનવિન્યશ્રી વનરાજસિંહ તથા જયદીપસિંહ યાદવ, દિલીપસિંહ સોલંકી, હરેન્દ્રસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખેતીવાડી શાખાના અન્ય અધિકારીશ્રીઓ, સરપંચ અને ગામના પ્રગતિશીલ ખેડૂતો હાજર રહીને રાત્રીસભામાં સક્રિયપણે ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે જિલ્લા કૃષિ વિભાગના અધિકારી દ્રારા પ્રાકૃતિક ખેતીની મહત્તા આમંત્રિત ખેડૂતોને સમજાવી જીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, વાફસા, બ્રહ્માસ્ત્ર, હ્યુમસ વગેરે બાબત અંગેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આત્મા પ્રોજેકટ ડાયરેકટરશ્રી દ્વારા વિવિધ દ્ર્ષ્ટાંતો થકી પ્રાકૃતિક ખેતીને અપનાવવા અંગેની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. અંતમાં, હાજર રહેલ મહત્તમ ખેડૂતમિત્રોએ હાલમાં અનુભવેલ ખેતીને લગતી સમસ્યાઓ અને મૂંઝવણભર્યા પ્રશ્નો આમંત્રિત અધિકારીઓ સમક્ષ પૂછી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. વિશેષમાં, “કૃષિ ઉત્કર્ષ પહેલ” અંતર્ગત પ્રાકૃતિક ખેતી અપનાવવા અને સમયાંતરે વિશિષ્ટ તાલીમ થકી માર્ગદર્શન મેળવવા ઇચ્છુક ખેડૂતમિત્રોને પોતાના નામ નોંધાવવા અંગે જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here