Published by: Rana kajal
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરી 2020માં કોમી રમખાણોમાં તોડફોડ મચાવનારા આરોપીઓથી નુકસાનની ભરપાઈ કરાવવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હી સરકાર તરફથી રચાયેલી સમિતિ ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણ દાવા આયોગ(NEDRCC)એ દિલ્હી પોલીસ પાસે રમખાણોમાં તોડફોડ કરનારા ગુનેગારોની ઓળખ કરવા માટે હિંસાના તમામ વીડિયો પણ માગ્યા છે. આયોગે દિલ્હી હાઈકોર્ટને પણ જણાવ્યું છે કે પીડિતોની અરજીઓના નિકાલની સાથે હવે આગામી પગલું સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા લોકો પાસેથી નુકસાનની વસૂલી કરવાનું છે. આયોગના એક વરિષ્ઠ સભ્યએ કહ્યું કે રમખાણોમાં થયેલા મૃત્યુ, ઘાયલો અને સંપત્તિના નુકસાન માટે વળતરની અરજીઓનો ઝડપથી નિકાલ લવાઈ રહ્યો છે. દિલ્હી પોલીસને રમખાણોના તમામ વીડિયો સબમિટ કરવા કહેવાયું છે. જેની મદદથી તોડફોડ કરનારા આરોપીઓની ઓળખ કરીને તેમની પાસેથી પીડિતોને ચૂકવાઈ રહેલું વળતર વસૂલી શકાય. આ રમખાણોમાં આશરે 53 લોકોએ જીવ ગુમાવ્યા અને ૫૮૦થી વધુ લોકો ઘવાયા હતા. અત્યાર સુધી 26 કરોડથી વધુનું વળતર ચૂકવવામાં આવ્યું છે.