Published By : Anu Shukla
- કેરળના મંદિરોમાં કરવામાં આવતા ધાર્મિક અનુષ્ઠાનોમાં હાથીનું ખૂબ જ મહત્વ હોય છે
કેરળના ત્રિશૂળ જિલ્લામાં સ્થિત ઈરિંજાદાપલ્લી શ્રીકૃષ્ણા મંદિરમાં હવે અનુષ્ઠાન માટે અસલી હાથીની જગ્યાએ રોબોટિક હાથીનો ઉપયોગ કરવામાં આવશે. આ હાથી મંદિર સમિતિને PETA (People for the Ethical Treatment of Animals)ઈન્ડિયાએ અભિનેત્રી પાર્વતી થિરુવોથુ સાથે મળીને ભેટ કર્યો છે. આ મિકેનિકલ હાથીની ઊંચાઈ સાડા દસ ફૂટ છે અને તેનું કુલ વજન 800 કિલો છે. આ હાથી પર ચાર લોકો સવારી કરી શકે છે. આ હાથીની સૂંઢ, માથું, આંખ અને કાન બધુ જ ઈલેક્ટ્રિકલી ઓપરેટેડ છે.
કેરળના મંદિરોમાં કરવામાં આવતા ધાર્મિક અનુષ્ઠાનોમાં હાથીનું ખૂબ જ મહત્વ હોય છે. જો કે કેટલીકવાર અનુષ્ઠાન દરમિયાન અથવા તે પહેલા આ હાથીઓ ગુસ્સે થઈ જાય છે. જેના કારણે ઘણી વખત લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ કારણે ત્રિશુરની ઈરિંજાદાપલ્લી શ્રીકૃષ્ણા મંદિર સમિતિએ ધાર્મિક અનુષ્ઠાનો માટે હાથીઓનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આના પર, પ્રાણીઓની સુરક્ષા માટે કામ કરતી સંસ્થા PETA ઈન્ડિયાએ મંદિરને આ રોબોટિક હાથીને મંદિરમાં ભેટમાં આપવાનો નિર્ણય કર્યો હતો. રવિવારના રોજ મંદિરમાં ‘નાદાયરુથલ’ નામનું ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અનુષ્ઠાનના ભાગ રૂપે ભગવાનને હાથી અર્પણ કરવામાં આવે છે.
PETA ઈન્ડિયાનું કહેવું છે કે ઘણી વખત હાથીઓને બાંધીને કેદમાં રાખવાના કારણે તેઓ ગુસ્સે થઈ જાય છે. જ્યારે તેમને તેમની ઈચ્છા વિરુદ્ધ કામ કરાવવામાં આવે છે, ત્યારે તેઓ ઉપદ્રવ મચાવે છે અને તેના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે.
કેરળમાં છેલ્લા 15 વર્ષમાં હાથીઓના હુમલામાં 526 લોકોના મોત થયા છે. કેરળના તહેવારોમાં ચિકત્તકાવુ રામચંદ્રન નામના હાથીનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ હાથીએ છ મહાવત, ચાર મહિલાઓ અને ત્રણ અન્ય હાથીઓ સહિત 13 લોકોનો જીવ લીધો છે. આ જ કારણ છે કે ત્રિશુરના ઈરિંજાદાપલ્લી શ્રીકૃષ્ણએ પૂજા-ઉત્સવોમાં હાથીઓનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે. મંદિર સમિતિને આશા છે કે અન્ય મંદિરો પણ આવું પગલું ભરશે.