Published by : Vanshika Gor
ઉનાળો શરૂ થતાં જ ફળોના રાજા કેસર કેરીનું પણ આગમન થઈ ચૂક્યું છે. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનાં 40 બોક્સની આવક થઈ છે. યાર્ડમાં પ્રતિ 10 કિલો બોક્સના 2000થી 3000 રૂપિયા બોલાયા હતા. કેરીરસિયાઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે તાલાલા પંથકમાં આંબા પર સારા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હોઈ, કેસર કેરીનું ઉત્પાદન પણ વધવાની આશા છે. વેપારીઓના મતે આગામી 15 દિવસમાં કેરીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.
હરાજીમાં ઉંચો ભાવ બોલાયો
જુનાગઢ ફ્રુટ માર્કેટના પ્રમુખ અદ્રેમાન પંજાએ જણાવ્યું કે, ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે સ્વાદ રસિયાઓ ફળોની રાણી કેસર કેરીની આતુરતાથી રાહ જોઈ બેઠા હોય છે ત્યારે જુનાગઢ ની યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે, તાલાળા પંથકની કેરીનું આગમન થયું છે આજે 15 બોક્સની આવક થઈ હતી અને બે દિવસમાં 40 જેટલા બોક્સની આવક થઈ છે. જેની સામે 10 કિલોના બોક્સના 2000 થી 3,000 સુધી હરાજીમાં ભાવ રહ્યો હતી.
આ વર્ષે કેરીનું ઉત્પાદન વધશે
ઉલ્લેખનીય છે કે સોરઠ પંથકમાં 23,333 હેક્ટરમાં આંબાના બગીચાઓ આવેલા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં 14,301 હેક્ટર જુનાગઢ જિલ્લામાં 8600હેક્ટર અને પોરબંદર જિલ્લામાં 431 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર કરાયું છે. ગત વર્ષે 1,56,433 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જેની સામે આ વર્ષે ૩૦ ટકા ઉત્પાદન વધવાની પણ શક્યતાઓ છે.