ઓસ્ટ્રેલિયા સામેની અમદાવાદ ટેસ્ટમાં ભારતીય રન મશીન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પણ સદીના દુષ્કાળનો અંત લાવ્યો હતો. 22 નવેમ્બર 2019 પછી આ રેડ બોલ ક્રિકેટમાં કોહલીની પ્રથમ સદી છે. કોહલીએ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં 1206 દિવસ બાદ સદી ફટકારવાની ઉજવણી કરી હતી. આપણે કોહલીને તેની આક્રમકતા માટે જાણીએ છીએ. મોટાભાગે, તે ખૂબ જ ઉત્સાહપૂર્વક સદીની ઉજવણી કરે છે, પરંતુ આ વખતે એવું કંઈ જોવા મળ્યું નથી.
પોતાની ઇનિંગ્સના 241મા બોલ પર સિંગલ લઈને, કોહલીએ તેની સદી પૂરી કરી અને પ્રશંસકોનું અભિવાદન કરવા માટે પોતાનું બેટ ઉંચુ કર્યું. આ દરમિયાન કોહલીએ ગળામાંથી વીંટી સાથેનું લોકેટ કાઢ્યું અને ચુંબન કર્યું અને આ સદી તેની પત્ની અનુષ્કા શર્માને સમર્પિત કરી. કોહલીના આ હાવભાવે ચાહકોને 2018ની એજબેસ્ટન ટેસ્ટની યાદ અપાવી દીધી.
સચિનનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલીની ટેસ્ટ કરિયરની આ 75મી સદી છે અને તેણે આ સ્થાને પહોંચવાનો સૌથી ઝડપી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કોહલી પહેલા આ રેકોર્ડ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના નામે હતો. સચિને 566 ઇનિંગ્સમાં 75 સદી પૂરી કરી હતી, જ્યારે કોહલીએ 552 ઇનિંગ્સમાં આ સિદ્ધિ પૂર્ણ કરી હતી.
કોહલીના કરિયરની બીજી સૌથી ધીમી સદી
બોલના હિસાબે ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની આ બીજી સૌથી ધીમી સદી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 241 બોલમાં આ સદી ફટકારી હતી. તે જ સમયે, તેની કારકિર્દીની સૌથી ધીમી સદી 2012માં નાગપુરમાં ઇંગ્લેન્ડ સામે આવી હતી જ્યારે કિંગ કોહલીએ 289 બોલનો સામનો કર્યો હતો.