Published by : Anu Shukla
- 13 વર્ષ સુધી પરેડમાં ભાગ લેનાર કર્ણાટકની ઝાંખીને બહાર કરવાની વાતથી વિવાદ થતાં કર્ણાટક સરકારે સ્પષ્ટતા કરી
- ગત વર્ષની ગણતંત્ર દિવસ પરેડમાં 2022માં પુરસ્કાર જીતનાર તમામ 3 રાજ્યોની પસંદગી આ વર્ષે કરવામાં આવી નથી
કર્ણાટકની ઝાંખીને આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેવાની તક મળશે નહીં. આ અંગેનું કારણ જણાવતા કર્ણાટક સરકારે કહ્યું કે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈનન મુજબ છેલ્લા 8 વર્ષ દરમિયાન ઓછી વખત ભાગ લેનારા રાજ્યોને તકો પુરી પાડવાની હોવાથી કર્ણાટકની ઝાંખી પરેડમાં જોવા મળશે નહીં.
વિવાદ બાદ કર્ણાટક સરકારની સ્પષ્ટતા
તાજેતરમાં જ સતત 13 વર્ષ સુધી ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લેનાર કર્ણાટકની ઝાંખીને બહાર કરવાની વાતથી વિવાદ થયો હતો, જેને લઈને કર્ણાટક સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આ મુદ્દે વિધાનસભાના વિપક્ષના નેતા સિદ્ધરમૈયાએ રાજ્યનું ગૌરવ જાળવવાને લઈ સવાલો ઉઠાવી ભાજપ સરકારે આકરા પ્રહારો કર્યા છે. વિધાનસભાના વિપક્ષ નેતા સિદ્ધરમૈયાએ કહ્યું કે, કર્ણાટક આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેશે નહીં, તે બાબત દુર્ભાગ્યપૂર્ણ છે. રાજ્યની ઝાંખીનો અસ્વીકાર દર્શાવે છે કે અહીંની ભાજપ સરકાર આપણા રાજ્યના ગૌરવને બચાવવા માટે કેટલી ગંભીર છે.
જે રાજ્યોએ 8 વર્ષ દરમિયાન અથવા ક્યારે ભાગ લીધો નથી તેમને તક અપાશે
ગણતંત્ર દિવસ ઝાંકીના નોડલ અધિકારી સી.આર.નવીને નિવદેન આપ્યું છે કે, આ વર્ષે દિલ્હીમાં યોજાનાર ગણતંત્ર દિવસ પરેડમાં રાજ્યની ઝાંખીને ભાગ લેવા અંગે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જારી કરી છે. કેન્દ્રની માર્ગદર્શિકામાં કહેવાયું છે કે, જે રાજ્યોએ પરેડમાં 8 વર્ષ દરમિયાન અથવા ક્યારે ભાગ લીધો નથી, તે રાજ્યોની ઝાંખીને તક આપવાની વાત કરી છે, તેથી કર્ણાટક રાજ્યને પરેડમાં ભાગ લેવાની તક મળી નથી. તેમણે કહ્યું કે, જો ગત વર્ષે ભાગ લેનારા રાજ્યોની યાદી અને આ વર્ષે પસંદગી પામેલ રાજ્યોની તુલના કરવામાં આવે તો એ સ્પષ્ટ છે કે, 2022માં પુરસ્કાર જીતનાર તમામ 3 રાજ્યોની પસંદગી આ વર્ષે કરવામાં આવી નથી.