Published By : Parul Patel
ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉધેલા ગામે પથ્થરમારાના વિવાદમાં પોલીસ અત્યાચાર મામલે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને એવો વેધક સવાલ કર્યો હતો કે, આરોપીને જાહેરમાં થાંભલા સાથે બાંધીને માર મારવા અંગે કયો કાયદો મંજૂરી આપે છે. જસ્ટિસ એ.એસ. સુપહીયા અને જસ્ટિસ એમ.આર. મેંગડેની ખંડપીઠે લઘુમતી સમુદાયના સભ્યો પર પોલીસ અત્યાચારની ઘટનાની આકરી નિંદા કરી પોલીસના વલણની ભારોભાર આલોચના કરી હતી. હાઇકોર્ટે સરકાર પક્ષને એવી પણ માર્મિક ટકોર કરી હતી કે, આરોપીઓના જાહેરમાં થાંભલા સાથે દોરડા વડે બાંધી માર મારવાના બનાવને તમે સ્વીકારો છો કે નહીં તે સ્પષ્ટ જવાબ આપો. અથવા તમે સાફ ઇન્કાર કરી દો કે, આવો બનાવ બન્યો જ નથી અથવા તમે એમ કહો કે, હા બન્યો હતો પરંતુ તે અમારી ફરજ હતી, અને તેના કારણો આ છે. જેથી સરકાર પક્ષ તરફથી અદાલતને જણાવાયું કે, તેઓ આ બનાવને યોગ્ય કે વાજબી ઠરાવવાનો પ્રયાસ નથી કરી રહ્યા પરંતુ આ કેસ સંદર્ભે ચોક્કસ રેકર્ડ અને મટિરિયલ્સ કોર્ટ સમક્ષ રજૂ કરવા ઇચ્છે છે. માતરના ઉંધેલા ગામે અગાઉ પણ તેઓએ હોળીના તહેવારમાં વાતાવરણ સભ્યોએ તહેવારનું અને શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના ભાગરૃપે જ કાર્યવાહી કરી છે. એ વખતે પોલીસ માટે કોઇપણ રીતે પરિસ્થિતિ કાબૂમાં કરવી એ જ તેમની પ્રાધાન્યતા હતી. જેથી હાઇ કોર્ટે સરકારને જણાવ્યું કે, ચોક્કસ.. પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી કરી પરંતુ અદાલત સમક્ષ સુપ્રીમકોર્ટના ડી.કે.બાસુના કેસમાં જારી માર્ગદર્શિકાના ઉલ્લંઘનની બાબતનો મામલો છે.
હાઇકોર્ટ પોલીસની જે પ્રકારે પરિસ્થિતિ કાબૂમાં લેવાઇ તે પધ્ધતિ સામે સવાલ નથી ઉઠાવી રહી પરંતુ કોઇ આરોપીને જાહેરમાં થાંભલા સાથે દોરડા વડે બાંધીને માર મારવાની કયા કાયદામાં જોગવાઇ છે તે અમને બતાવો. હાઇકોર્ટે સરકારપક્ષ પાસે આ મામલે ખુલાસો માંગી કેસની વધુ સુનાવણી તારીખ 6 જુલાઈના રોજ રાખી છે