- ‘ન તુમ મેરી સુનો ન મેં તુમ્હારી’ ની ઉક્તિથી કામ થતું હોવાની લાગણીથી ગઠબંધનનો અંત
- ટોપીવાળા આપના માણસો દેખાતા નથી : છોટુ વસાવા
- નર્મદા જિલ્લામાં આપના ઉમેદવાર તરીકે બીટીપીના તરછોડાયેલા કાર્યકરની ઘોષણા તો ગઠબંધન તૂટવા પાછળ જવાબદાર નથી ને ?
થોડા જ મહિનાઓ પહેલા જેના વખાણ કરતા મોં સુકાતું ન હતું તેવી આમ આદમી પાર્ટી હવે બીટીપીને બેવફા લાગવા માંડી છે. ચૂંટણી ટાણે અલગ અલગ પાર્ટીઓ સાથે ગઠબંધન કરવા માટે ટેવાયેલી ભારતીય ટ્રાયબલ પાર્ટીએ આ વખતે મોકા દેખ કર ચોકા લગાવવા આપ સાથે ઇલુ ઇલુ કર્યું પરંતુ આ ઇલુ ઇલુ કઈ લાંબુ ચાલ્યું નહિ અને ચૂંટણી પહેલા જ એકમેકને બેવફા ગણાવી ગઠબંધનનો અંત લાવી દીધો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/14781225-1024x576.jpg)
આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં પોતાનું આધિપત્ય જમાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટી માટે આગામી વિધાનસભાની ચૂંટણી એ ફાઇનલ પહેલાની નેટ પ્રેક્ટિસ માનવામાં આવે છે. કોંગ્રેસ ગુજરાતમાં કઈ ખાસ કરી શકતી નથી ત્યારે હાલમાં બીજી શક્તિશાળી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થવા આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે. ભલે એ સરકાર બનાવવાના દાવા કરતી હોય પણ ખુદ આપ પણ જાણે છે કે આ ચૂંટણી ખુબ મહત્વની છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે ગઠબંધન કરવામાં આવ્યું હતું. અને સાથે મળીને ચૂંટણી લડવા માટેના કોલ આપવામાં આવ્યા હતા. વાલિયા તાલુકામાં આ માટેની મોટી સભા પણ રાખવામાં આવી હતી. અને બંને એ જાણે જન્મો જન્માંતરનો સંબંધ બાંધી લીધો હતો. જો કે બીટીપી તો દર વખતે ચૂંટણીના સમયે જે જે પાર્ટી નવી દમદાર લાગે તેની સાથે આવા સંબંધ બાંધી જ દે છે. પોતાનું રાજકીય કદ વધારવાના પ્રયાસોમાં ગઠબંધનની મોટા પાયે જાહેરાતો કરી દીધા બાદ ખ્યાલ આવે છે કે જેની સાથે હાથ મિલાવ્યો એ તો લાયક નથી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/Guj-BTP-4col-1-1024x569.jpg)
આ વખતે પણ એમ જ થયું. આમ આદમી પાર્ટી સાથે હવે છુટા છેડા લેવાનું બીટીપીએ નક્કી કરી લીધું છે. બીટીપીના આગેવાન અને ઝગડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું હતું કે હવે ટોપીઓ વાળા આપણા માણસો હવે દેખાતા નથી, આપના માણસો બીટીપીનું કહેલું માનતા નથી જેથી હવે આપ અને બીટીપી વચ્ચે કોઈ ગઠબંધન નથી. જો કે અંતરંગ વર્તુળોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીએ હાલમાં જ ત્રીજી યાદી જાહેર કરી હતી જેમાં નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક ઉપર પ્રફુલ્લ વસાવાના નામની જાહેરાત કરી હતી. તેઓ પ્રોફેસર હતા. સાથે સાથે તેઓની બીટીપીમાંથી થોડા વર્ષ અગાઉ હકાલપટ્ટી કરવામાં આવી હતી. નાંદોદ બેઠક ઉપર તેઓની નિમણુંકને લઈને પણ ખટપટ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે લગ્ને લગ્ને કુંવારી એવી બીટીપી હવે કોની સાથે સગપણ કરે છે તે જોવું રહ્યું.