. ઇન્દિરા સાગર ડેમમાંથી છોડાયુ 7 લાખ ક્યુસેક પાણી
. બુધવારે સવારથી ગોલ્ડનબ્રિજ ખાતે સપાટી તેજ ગતિએ વધવાની પ્રબળ શકયતા
. સરદાર સરોવરમાં પાણીને આવતા લાગશે 28 કલાક, ડેમમાંથી ગોલ્ડનબ્રિજે 6 કલાકમાં અસર શરૂ થશે
. આ વખતે નદીની સપાટી 28 ફૂટને સ્પર્શે તો નવાઈ નહિ, સામે છે અમાસની પણ મોટી ભરતી
ભરુચ ઉપર પુનઃ એકવાર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ભરુચ ખાતે નર્મદા નદીની સપાટી ૨૮ ફૂટને આંબે તેવી શક્યતાઓ છે. બુધવારે સવારથી નર્મદા નદીમાં સપાટીમાં નોંધપાત્ર વધારો થવાની વકી છે.
ઉપરવાસમાં આવેલા ઈન્દિરાસગર ડેમમાંથી મંગળવારે બપોરે 3 કલાકે સાગમટે 7 લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડી દેવાયો છે. ઈન્દિરાસાગર ડેમમાંથી આ વિપુલ જથ્થો સરદાર સરોવર ડેમમાં આવતા 28 થી 34 કલાક જેટલો સમય લેશે. જે બાદ સરદાર સરોવર નર્મદા ડેમથી ભરૂચ ગોલ્ડનબ્રિજ ખાતે તેની અસર વર્તાવવામાં બીજા 6 કલાકનો સમય લાગશે. મંગળવારે સવારથી જ નર્મદા ડેમના 23 દરવાજા વધુ ખોલી નદીમાં કુલ 5.44 લાખ ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું છે. હાલ ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદી તેનું વોર્નિંગ લેવલ 22 ફૂટને સ્પર્શી ગયું છે. અને રાત સુધીમાં તેમાં 1 થી 2 ફૂટનો વધારો થવાની શક્યતા છે. રાતે 9 કલાકે ગોલ્ડનબ્રિજ બીજી વખત 24 ફૂટની ભયજનક સપાટી વટાવી જવાની શક્યતા ભરૂચ જિલ્લા પુર નિયંત્રણ કક્ષે વ્યક્ત કરી છે. મોડી રાતે જ નદી ગોલ્ડનબ્રિજે 25 ફૂટને પણ પાર કરી શકે છે.

પહેલા પુર વખતે સપાટી 27 ફૂટ સુધી ગઈ હતી. જોકે આ વખતે 28 ફૂટ અને તેથી પણ વધુ ગોલ્ડનબ્રિજે નર્મદા નદી વટાવે તેવા સંજોગો ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને ઘોડાપૂરને લઈ ઉભા થયા છે. નર્મદામાં આ વખતે પુર અને તેને લઈને નુકસાની વધી શકે છે. નર્મદા ડેમમાં હવે વધુ સ્ટોરેજ થઈ શકે તેમ નથી. જોકે નિગમ દ્વારા પાણી સ્ટોરેજ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે પણ હાલની ડેમની 135.94 મીટરની સપાટી અને 7 લાખ ક્યુસેક જેટલા તોતિંગ જથ્થા સામે શક્ય બની શકે તેમ નથી. હાલ નદીમાં 5.44 લાખ ક્યુસેક પાણી ઠલવાઇ છે જેમાં વધુ 2 લાખ ક્યુસેક અને ભરતીના પાણી ભળ્યા તો ભરૂચમાં સ્થિતિ બગડી પણ શકે છે. હવે તમામ મદાર મધ્યપ્રદેશમાં મેઘરાજા ખમૈયા કરે તેના ઉપર રહ્યો છે.