Published by : Vanshika Gor
ટીમ ઈન્ડિયાના ચિફ સિલેક્ટર ચેતન શર્મા હાલમાં મોટી મુશ્કેલીમાં છે. ચેતન શર્મા પર એક સ્ટિંગ ઓપરેશન થયું છે જેમાં તે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ઘણી વિવાદાસ્પદ વાતો કહેતો જોવા મળી રહ્યો છે. વિરાટ, રોહિતની લડાઈ, વિરાટ કોહલીને કેપ્ટન્સીથી હટાવવા અને જસપ્રીત બુમરાહની ઈજાથી લઈને ચેતન શર્માએ એવી વાતો કહી, જેના પછી હવે તેની ખુરશી જઈ શકે છે.
BCCI ચેતન શર્માના મામલામાં ટૂંક સમયમાં કાર્યવાહી કરી શકે છે અને એવા અહેવાલો છે કે આ પૂર્વ ફાસ્ટ બોલરની ચીફ સિલેક્ટરની ખુરશી પણ હાથમાંથી જઈ શકે છે. હવે જો ચેતન શર્માની ખુરશી છિનવાઈ જાય તો આ ખેલાડીને મોટું નુકસાન થવાનું છે. BCCI ચેતન શર્માને સારો પગાર આપે છે. ચાલો તમને જણાવીએ કે, મુખ્ય પસંદગીકારને કેટલા પૈસા મળે છે?
ચેતન શર્માના ખિસ્સા કપાશે!
BCCI ચેતન શર્માને વાર્ષિક એક કરોડ 25 લાખ રૂપિયા પગાર આપે છે. વિશ્વના કોઈપણ બોર્ડના ચિફ સિલેક્ટર માટે આ સૌથી વધુ પગાર છે. જો કે હવે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તો ચેતન શર્માના હાથમાંથી આટલી મોટી રકમ નીકળી શકે છે. માત્ર પૈસા જ નહીં, ભારતીય ચીફ સિલેક્ટર પાસે જબરદસ્ત શક્તિ છે. ભારતીય ટીમની પસંદગીમાં તેની મોટી ભૂમિકા છે. હવે ચેતન શર્મા પાસેથી આ તમામ સત્તાઓ છીનવી શકાય છે.
ચેતન શર્માએ શું કર્યો ખુલાસો?
સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્માએ આરોપ લગાવ્યો હતો કે 80 થી 85 ટકા ફિટ હોવા છતાં ખેલાડીઓ પ્રોફેશનલ ક્રિકેટમાં ઝડપથી પરત ફરવા માટે ઈન્જેક્શન લે છે. ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી20I શ્રેણીમાં બુમરાહની વાપસીને લઈને તેની અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે મતભેદો હતા. બુમરાહ હાલમાં ટીમની બહાર છે અને તે ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટની બોર્ડર ગાવસ્કર ટ્રોફી અને ત્યારપછીની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભાગ લે તેવી શક્યતા નથી.શર્માએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી વચ્ચે અહંકારની લડાઈ ચાલી રહી છે.