- મહિલાઓને નારી અદાલતની સમજ તથા મહિલા વિષયક યોજનાઓની જાણકારી અપાઈ
ભરૂચ: ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા વહિવટીતંત્ર,ભરૂચના સંયુક્ત ઉપક્રમે કાયદા શિબિરનું આયોજન ડૉ બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું.આ કાયદા શિબિર જિલ્લા પંચાયતના અધ્યક્ષ અલ્પાબેન પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. શિબિરનો હેતુ મહિલાઓને નારી અદાલતની સમજ તથા મહિલા વિષયક યોજનાઓની જાણકારી મળી રહે તે માટેનો હતો.શિબિરનો પ્રારંભ મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવ્યો હતો.

આ વેળાએ દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશભાઈ વસાવાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં મહિલા સુરક્ષા અને દહેજ પ્રતિબંધક અધિનિયમ ની વિસ્તૃત જાણકારી આપી હતી.તેમણે મહિલાને દહેજ પ્રથાનો ભોગ ન બને તે માટે માહિતગાર પણ કર્યા હતા.

આ શિબિરમાં એડવોકેટ તારાબેન પટેલે કાનૂની સેવા વિષયક માહિતીથી ઉપસ્થિત મહિલાઓને માહિતગાર કર્યા હતા.તેમને મહિલાને સંકટ સમયે કાયદાનો આશરો લેવા પણ હિમાયત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કાયદા સમક્ષ સૌ સમાન અધિકાર મેળવી શકે છે. આ શિબિરમાં સ્વાગત પ્રવચન આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોરે કર્યું હતું તથા આભારવિધિ બાળ વિકાસ યોજના અધિકારી રિદ્ધિ બા ઝાલાએ કરી હતી.