Published by : Rana Kajal
વિદેશી પ્રતિનિધિ ભારતના સાંસ્કૃતિક રાજદૂત પ્રવાસનના દૃષ્ટિકોણથી વિવિધ કાર્યક્રમ યોજાશે. હવે જ્યારે G 20 સમિટનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે ગુજરાત રાજયના કચ્છ અને આજુબાજુના વિસ્તારોની પણ સમિટના સભ્યો મુલાકાત લેનાર હોય તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
હવે જ્યારે G 20 સમિટને આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. હાલમાંં જ કેન્દ્રીય પર્યટન સચિવ અરવિંદસિંહે જણાવ્યું હતું કે 7,8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં ભારત અને વિદેશના મળી લગભગ 75 થી 100 પ્રતિનિધિઓ ભાગ લેશે. દેશમાં 55 સ્થળોએ 200 થી વધુ બેઠકો યોજાશે અને આ વર્ષે એક લાખથી વધુ વિદેશી પ્રતિનિધિઓ ભારતની મુલાકાત લેશે.પ્રવાસનના દૃષ્ટિકોણથી ધોરડો સહિત સમગ્ર ભારતમાં ઘણી બધી ઇવેન્ટ્સ યોજાશે. જે અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
દરેક વિદેશી પ્રતિનિધિએ ભારતના સાંસ્કૃતિક રાજદૂત તરીકે પાછા ફરવું જોઈએ, તેવા પ્રકારનું વાતાવરણ બનાવવામાં આવે, એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે.પ્રવાસનની દેશની પ્રથમ મીટીંગ ધોરડોમાં બીજી બેઠક એપ્રિલમાં પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં,ત્રીજી બેઠક મે મહિનામાં ઉત્તર ભારતમાં અને મંત્રી સ્તરની ચોથી બેઠક ગોવામાં યોજાશે.જી-20ના ડેલીગેટ્સ ગુરુવારે સવારે યુનેસ્કો દ્વારા જાહેર વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા ખાતે પહોંચશે જ્યાં તેઓ સાઈટને નિહાળવા સાથે વિશ્વ વિરાસતના ઇતિહાસથી વાકેફ થશે.વિદેશી મહેમાનો ધોરડોથી બાય રોડ જવાના હોવાથી અહીં નવો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. ખાસ મહ્ત્વની વાત એ છે કે,ધોળાવીરામાં તેઓ લંચ લેવાના છે જેથી અહીં 200 થી 250 લોકોની ક્ષમતા સાથે વીઆઇપી હોલનું નિર્માણ કરવામાં આવશે.જૉકે સફેદ રણમાં પ્રવાસીઓને આવવું કે નહીં તે અંગે હજી અસ્પષ્ટતા જણાઈ રહી છે જૉકે ટેન્ટસીટી આખી સરકાર હસ્તક બુક છે જેથી ત્યાં કોઇ પ્રવાસીઓ રોકાણ કરી શકશે નહીં અને ધોરડો આસપાસના મોટાભાગના રિસોર્ટ પણ બુક કરી લેવાયા છે..ઉત્તરાખંડમાં આગામી મે અને જૂનમાં જી-20 સમિટ યોજાશે ત્યારે તૈયારીઓની ચકાસણી અને અનુભવ કરવા માટે રાજ્યના 14 અધિકારીઓને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. તેઓ 9 ફેબ્રુઆરી સુધી કચ્છની સાથે ચંદીગઢ, જોધપુર, બેંગ્લોરમાં યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓ જોઈને બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે.ઉત્તરાખંડના ડેપ્યુટી ઈન્સપેક્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ રાજેન્દ્ર કુમારને કચ્છની જવાબદારી અપાઈ છે.જેથી કચ્છમાં વિવિધ સ્થળોએ પ્રચાર-પ્રસારથી માંડીને શણગાર, બેઠક વ્યવસ્થા, સુરક્ષા, આકર્ષણ સહિતના મુદ્દે રિવ્યુ લઈ તેઓ ઉત્તરાખંડમાં સમીટનું આયોજન કરશે.
ધોરડોમાં આવેલા વોચ ટાવરમાં હવે લાઈટ એન્ડ સાઉન્ડ શો ઉભો કરવામાં આવ્યો છે.જે હાલમાં સહેલાણીઓ નિહાળી રહ્યા છે આ લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આકર્ષણ કાયમી થઈ જશે પણ વોચ ટાવરના વિકલ્પ મુદ્દે હજી કોઈ વિચારણા થઈ નથી.ટાવર પર ચડીને રણની સફેદી નિહાળવાનો નજારો હવે સ્મૃતિમાં રહી જાય તો નવાઈ નહિ. સમિટ દરમિયાન પ્રવાસનની સાથે માર્ગ અને મકાન વિભાગ, પોલીસ, આરોગ્ય, 108, ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ, ફૂડ વિભાગ, આરટીઓ, પાણી પુરવઠા, બીએસએનએલ સહિત તમામ સરકારી વિભાગના જવાબદારો ખડેપગે રહેશે તેમજ મજબૂત બંદોબસ્ત માટે ઉચ્ચ સુરક્ષા કર્મચારીઓ પણ આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.