- ખાણમાં લગભગ 110 લોકો કામ કરી રહ્યા હતા..
તુર્કીમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 25 લોકોના મોત નીપજ્યા હતા. બ્લાસ્ટ થયો ત્યારે ખાણમાં 110 લોકો કામ કરી રહ્યા હતા. હજી પણ બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર તુર્કીમાં શુક્રવારે સાંજે લગભગ 6 વાગ્યે ખાણના દરવાજાથી 300 મીટર (985 ફૂટ)ની ઊંડાઈએ એકાએક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને પગલે ખાણ આંશિક રીતે તૂટી પડી હતી. આ ઘટનામાં 25 લોકોના મોત થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે. ખાણકામદારોને બહાર કાઢવામાં આવ્યા છે તેમને સ્ટ્રેચરની મદદથી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યા છે. વિસ્ફોટ બાદ કેટલા લોકો ઘટનાસ્થળે ફસાયા છે તે હજુ પણ સ્પષ્ટ નથી. સત્તાવાર નિવેદનો અનુસાર જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ખાણમાં લગભગ 110 લોકો કામ કરી રહ્યા હતા. ખાણમાં હાજર મિથેન ગેસના કારણે બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ ખાણ સરકારી માલિકીની ટર્કિશ હાર્ડ કોલ એન્ટરપ્રાઇઝિસની છે. દેશની સરકારે વિસ્ફોટની તપાસના આદેશ આપ્યા છે.

દેશના સ્વાસ્થ્ય મંત્રી ફહરેતિન કોકાસે ટ્વીટ કર્યું કે અકસ્માતમાં ઘાયલ 17 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો તુર્કીના ગૃહમંત્રી સુલેમાન સોયલુએ નિવેદનમાં જણાવ્યું હતું કે વિસ્ફોટ સમયે લગભગ 49 લોકો ખાણની અંદર કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ખાણ લગભગ 300 થી 350 મીટર ઊંડી છે અને જોખમી વિસ્તાર છે. કોલસાની ખાણમાં વિસ્ફોટ થવાના કારણો અંગે દેશના ઉર્જા મંત્રી ફાતિહ ડોનમેઝે જણાવ્યું હતું કે હાલમાં ખાણની અંદર કોઈ આગ નથી. તેમજ અંદરની વેન્ટિલેશન સિસ્ટમ પણ યોગ્ય રીતે કામ કરી રહી છે.