આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલી હાજરી દ્વારા આંદામાન અને નિકોબારના 21 મોટા ટાપુઓનું નામકરણ કર્યું હતુ. આ નામકરણ અંગેની વિશેષતા એવી છે કે ટાપુઓ પરમવીર ચક્રના નામથી ઓળખાશે. PM સિવાય ગૃહમંત્રી અમિત શાહે પણ આ કાર્યક્રમમાં પોર્ટ બ્લેર જઈ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં વર્ચ્યુલી ઉદ્ઘાટન બાદ PM મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, આ 21 ટાપુઓ હવે પરમવીર ચક્ર વિજેતાના નામ પરથી ઓળખાશે. આવનારી પેઢીઓ આ અધ્યાયને આઝાદીના અમૃતના મહત્વના દિવસ તરીકે યાદ રાખશે. આ ટાપુઓ આપણી આવનારી પેઢીઓ માટે શાશ્વત પ્રેરણાનું સ્થાન બની રહેશે. આ માટે હું દરેકને અભિનંદન આપું છું.
પીએમએ આંદામાન વિશે વાત કરતા કહ્યું હતુ કે, આ જ ધરતી છે જેના પર પહેલીવાર સ્વતંત્ર રીતે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ત્યાંની સેલ્યુલર જેલમાં આજે પણ એ અભૂતપૂર્વ જુસ્સાના અવાજોની વેદના સંભળાય છે. આ સ્મારક આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. આઝાદી બાદ નેતાજીને ભૂલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નેતાજીની જન્મજયંતિના અવસર પર 23 જાન્યુઆરીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.