Published by : Vanshika Gor
- ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રાજ્યના નાણાંમંત્રી કનુભાઇ દેસાઈ આજે રજૂ કરશે. ગત વર્ષે ભૂપેન્દ્ર પટેલની સરકારે પુરાંત વાળું બજેટ રજૂ કર્યું હતું.
ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વખત બજેટ રજૂ કરશે. રાજ્ય સરકાર આ વખતના બજેટમાં રેકોર્ડ બ્રેક ફાળવણી કરી શકે છે.
2022-23નું બજેટ પુરાંતવાળું હતું
નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું નાણાકીય વર્ષ 2022-23નું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. જેમાં 668.09 કરોડ રૂપિયાની પુરાંતવાળું બજેટ હતું જેમાં 1,005.86 કરોડ રૂપિયાની મહેસૂલી પુરાંતનો અંદાજે મુકાયો હતો. જેમાં 1,82,045 કરોડ રૂપિયાની મહેસૂલી આવકની સામે 1,81,039 કરોડ રૂપિયાનો મહેસૂલ ખર્ચ થવાનો અંદાજ મૂકાયો હતો.
વર્ષ 2023-24નું બજેટ 2,50,000 કરોડથી વધુ રહેશે તેવી સંભાવના
વર્ષ 2021-22માં વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ નાણા ખાતું સંભાળતા હતા. નીતિનભાઈ પટેલે ગુજરાતનું બજેટ રૂપિયા 2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2022-23માં બજેટનું કદ 16,937 કરોડ રૂપિયા વધીને કુલ રૂપિયા 2,43,965 કરોડનું હતું. ત્યારે આ વખતે વર્ષ 2023-24ના બજેટમાં 10થી 20 ટકાનો વધારો થઈ શકે છે.
આત્મનિર્ભર થીમ પર બજેટ રજૂ કરશે
કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ આત્મનિર્ભર થીમ પર બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. કેન્દ્રીય બજેટ રજૂ થયા પછી CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે- રાજ્યનું બજેટ પણ કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈને બનશે. ત્યારે વિકાસના એજન્ડા સાથે રાજ્ય સરકાર બજેટ રજૂ કરી શકે છે.
ખેડૂતો માટે કેટલીક મહત્વની જાહેરાત થઈ શકે છે
આ વખતના બજેટમાં રાજ્ય સરકાર વેટમાં વધારો કરે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની મહત્વની યોજનાઓ જાહેર કરી શકે છે.
ટુરીઝમ વિભાગને અલગ ડીપાર્ટમેન્ટ જાહેર કરી શકે છે
મળતી માહિતી મુજબ પ્રવાસન વિભાગને અલગ વિભાગનો દરજ્જો મળી શકે છે. અત્યાર સુધી ઉદ્યોગ વિભાગ અંતર્ગત પ્રવાસ વિભાગ આવે છે, ત્યારે અલગ વિભાગ બનાવવાથી તેનો ઝડપી વિકાસ શક્ય બનશે. તેમજ આ વિભાગને 2000 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી થઈ શકે છે.
સહકાર વિભાગ વધુ ફાળવણી થઈ શકે છે
ગુજરાતમાં નવા ઉમેરાયેલા સહકાર વિભાગને પણ આ વર્ષે બજેટમાં વધુ ફાળવણી કરવામાં આવી શકે છે, જેનો લાભ પશુપાલકને મળી શકે છે. તેમજ સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં પણ મદદ મળી શકે છે.
બમણી જંત્રીનો ઉલ્લેખ થઈ શકે છે
રાજ્યમાં નવી સરકાર બન્યા બાદ આ પ્રથમ બજેટ છે. ગત વર્ષના બજેટમાં લોકો પર કોઈ વધારાનો બોજ નાખવામાં આવ્યો ન હતો, ત્યારે આ વર્ષે પણ સરકાર કોઈ મોટો બોજ નહીં નાખે તેવી શક્યતા છે. જો કે સરકાર આડકતરી રીતે વેટમાં વધારો કરી આવક મેળવે તેવી શક્યતા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર થોડા સમય પૂર્વે જંત્રી બમણી કરીને વધુ આવક મેળવવાનો માર્ગ મોકળી કર્યો છે. જો કે આ જંત્રીનો વધારો 15 એપ્રિલ બાદથી કરવામાં આવશે.




