Published by : Rana Kajal
- શ્રી નવરંગ વિદ્યામંદિરના ચાલુ શાળાએ સ્લેબના પોપડા પડતા ધોરણ 10 ની છાત્રાઓ ઘાયલ
- માથા, હાથ-પગ અને શરીરે ઇજાગ્રસ્ત થયેલી છાત્રાઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અંકલેશ્વર હોસ્પિટલમાં ખસેડાય
- ચાલુ શાળાએ સ્લેબ તૂટી પડવાની ઘટનામાં અન્ય વિધાર્થીઓમાં બુમરાણ સાથે મચી ભાગદોડ
ભરૂચ જિલ્લાના આદિવાસી નેત્રંગ તાલુકામાં 59 વર્ષ જૂની ઉચ્ચતર માધ્યમિક શ્રી નવરંગ વિદ્યામંદિર શાળામાં ચાલુ વર્ગખંડમાં શુક્રવારે બપોરે સ્લેબનો પોપડો તૂટી પડતા ધોરણ 10 ની 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ હોવાની ઘટનાએ શિક્ષણ જગતને પણ હચમચાવી છે.

આદિવાસી વિસ્તારોમાં શાળાઓની કફોડી હાલત, શિક્ષકોનો અભાવની કેટલીય વખત હકીકતો બહાર આવે છે. જજરીત શાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી બાળકો જીવના જોખમે શિક્ષણ લેતા હોવાના ભૂતકાળમાં કેટલાક વિડીયો વાયરલ થવા સાથે અહેવાલો પણ સામે આવ્યા છે.
આજે શુક્રવારે બપોરે 12.30 કલાકે જ ધોરણ 10 ની વિદ્યાર્થીનીઓ વર્ગખંડમાં અભ્યાસ કરી રહી હતી. ત્યારે જ એકાએક જજરીત છટમાંથી સ્લેબનો મોટો પોપડો તૂટીને નીચે પડતા છાત્રાઓની બુમરાણ વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી.છત પરથી મોટો પોપડો તૂટી પડતા 8 થી વધુ વિદ્યાર્થીઓને શરીરે નાની મોટી ઇજાઓ થઈ હતી.

ઘટનાને લઈ અન્ય વિધાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. શાળા સંચાલકો પણ ગભરાટ વચ્ચે રઘવાયા બની દોડતા થઈ ગયા હતા.લોહી નીકળતી હાલતમાં ઇજાગ્રસ્ત થયેલી આદિવાસી વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાય હતી. જ્યાં વધુ ઇજાગ્રસ્ત છાત્રાઓને અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
ઘટનામાં હાલ તો વિધાર્થીનીઓનો ચમત્કારિક બચાવ થયો છે અને મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. ત્યારે ગ્રામજનો અને વિધાર્થીનીઓના વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ઘટના બાદ સરકારી અને શિક્ષણ તંત્ર પણ હલચલમાં આવી હવે દોડતું થયું છે.

ઇજાગ્રસ્ત થયેલી વિધાર્થીનીઓ
- કિંજલ ધીરુભાઈ વસાવા, રઝલવાડા
- રોશની જીતેન્દ્રભાઈ વસાવા, વિજયનગર
- જિનલ ભરતભાઇ વસાવા, વિજયનગર
- વૈશાલી રાજેશભાઇ વસાવા, ભાંગોરી
- તન્વી વસાવા, ફૂલવાડી
- સેજલ છત્રસિંહ વસાવા
- જ્યોતિક જીતેન્દ્રભાઈ વસાવા, સુમનપુરા
- કૌશલ્યા વિનોદભાઈ વસાવા, બામલ્લા