- વહીવટીતંત્ર દ્વારા ગામના લોકોને સલામત સ્થળે લઈ જવાયા
ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસી ખાતે આવેલી ફાર્મા કંપનીમાં ગઈકાલે આગ ફાટી નીકળી હતી જે બાદ મોડી રાત્રે કંપનીમાંથી ગેસ લીકેજ થતાં આસપાસના ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
પાનોલીની અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં ગત રોજ અચાનક આગ ફાટી નીકળી હતી. જો કે 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગ પર કાબુ મેળવતાની સાથે જ મોડી રાત્રે કંપનીમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો હતો. જેના કારણે સંજાલી ગામમાં લોકોને ગેસની અસર થતાં તેઓ જીવ બચાવવા માટે ગામ છોડીને હાઇવે પર દોડી આવ્યાં હતાં. પ્રાથમિક વિગતો અનુસાર કંપનીમાં આગની ઘટના બાદ તે જ કંપનીમાંથી કલોરીન ગેસ લીકેજ થતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. ઘટનાને પગલે 20 જેટલા દર્દીઓનું ઓકિસજન લેવલ ઘટી જવાથી તેઓને પ્રાથમિક સારવાર આપી દવાખાનાઓમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના સમયે સ્થિતિ વણસી જતાં તંત્ર દોડતું થઇ ગયું હતું. અંકલેશ્વરના એસડીએમ, મામલતદાર સહીતના અધિકારીઓ સંજાલી દોડી ગયાં હતા અને ગામના લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મોડી રાત્રે જ પરિસ્થિતિ પર કાબુ મેળવવામા આવ્યો હતો.