પાણીની અછત સામે પાણી રિચાર્જ કરવાની પધ્ધતી સફળ થઈ છે. અમદાવાદમાં આ ક્ષેત્રે સફળતાં પ્રાપ્ત થતા હવે સરકારી શાળાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવશે તેથી 100 સોસાયટીઓનું જળસ્તર ઉંચુ આવશે.
હાલ પાણીના વપરાશ માટે મીટર લગાવવામાં આવ્યા છે. જેના માટે પૈસા પણ ચૂકવવા પડી રહ્યા છે. આમ પાણી આપણા માટે ખુબજ ઉપયોગી છે. જેને લઇને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ અને સંગ્રહ પણ જરૂરી છે. તેમજ વરસાદના પાણી ખૂબ જ ઉપયોગી છે. વરસાદના પાણીમાં એસિડનું પ્રમાણ ઘણુ ઓછું હોય છે. જે જમીન માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. પાણીનો દુરુપયોગ કરતા રહીશું તો આવનારી પેઢી માટે જળ સંકટની સમસ્યા ઉભી થશે અને આ જળ સંકટને અટકાવવાનો પ્રયાસ શરૂ થયો છે. અમદાવાદના પાલડીમાં આવેલી AMC સંચાલિત અનુપમ સ્કૂલમાં રાજ્યનો સૌ પ્રથમ વોટર હાર્વેસ્ટિંગ અને રિચાર્જ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ખાનગી સંસ્થા સાથે મળીને આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેનાથી વરસાદી પાણીનો સંગ્રહ થાય અને સતત નીચે જઈ રહેલું જળ સ્તર ઊંચુ આવે.
રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને રિચાર્જ માટે તૈયાર કરવામાં આવેલા પ્લાન્ટમાં બે અલગ અલગ ટાંકા બનાવવામાં આવ્યા છે. સ્કૂલના ધાબામાંથી આવતું વરસાદી પાણી ચાળી અને ગાળીને આવે તે માટે એક ટાંકામાં રેતી અને કપચી પાથરવામાં આવી છે. જેથી શુદ્ધ પાણી જમીનમાં ઉતરે છે. વોટર રિચાર્જ સિસ્ટમની મદદથી પાણી ભૂગર્ભમાં ઉતરે એટલે આજુબાજુની 100 સોસાયટીઓનું ભૂ સ્તર ઊંચુ આવશે.
પ્રથમ સરકારી સ્કૂલના છત પરથી વરસાદી પાણી એકઠું કરી ભૂગર્ભમાં ઉતારવા માટે છત પરથી પાણી એકત્રિત કરી ડ્રેઇન પાઈપ દ્વારા નીચે ઉતારી જુદી જુદી જક્શન ચેમ્બર દ્વારા પાણી એકઠું કરવામાં આવે છે અને ફિલ્ટર ચેમ્બરમાં ભેગું કરવામાં આવે છે. ફિલ્ટર ચેમ્બર્સમાં 60 ફૂટ ઊંડો બોર બનાવી પાઈપ ઉતારી, ફિલ્ટર ચેમ્બર, ગ્રેવેલ અને રેતીથી ભરી લઇ ચેમ્બર્સને RCC ઢાંકણાથી ઢાંકી દેવામાં આવે છે. જેથી ફિલ્ટર ચેમ્બર્સમાં ભેગું થયેલું પાણી જુદી જુદી ચેમ્બરમાંથી પસાર થઈ ફિલ્ટર થયેલું પાણી પાઈપ દ્વારા સીધુ જ ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવે છે.




