- અજાણ્યા હુમલાખોરોએ લગભગ 60 પરિવારોને નિશાન બનાવ્યા
છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના ઓછામાં ઓછા 14 ગામોના ખ્રિસ્તી સમુદાયોએ 16 ડિસેમ્બરથી તેમના વિસ્તારમાં સ્ટેડિયમ અને ચર્ચમાં આશ્રય લીધો છે. અજાણ્યા હુમલાખોરો દ્વારા કથિત આયોજનબદ્ધ હુમલા બાદ પોતાની સુરક્ષા માટે તેઓએ આ પગલું ભરવું પડ્યું હતું. નારાયણપુર જિલ્લો આદિવાસી બહુલ બસ્તર ક્ષેત્રમાં આવે છે. ભયભીત ગ્રામવાસીઓએ આ અઠવાડિયે જિલ્લા વહીવટીતંત્રને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે, અજાણ્યા હુમલાખોરોએ લગભગ 60 પરિવારોને નિશાન બનાવ્યા હતા અને તેમાંથી કેટલાકને ખ્રિસ્તી ધર્મ અપનાવવાના કારણે બળજબરીથી તેમના ઘરમાંથી કાઢી મૂક્યા હતા. નારાયણપુર જિલ્લામાં, ખ્રિસ્તી સમુદાયના લોકોએ હુમલાખોરો સામે કાર્યવાહીની માંગ સાથે નારાયણપુર કલેક્ટર કચેરીની સામે ધરણા કર્યા હતા.
નારાયણપુર ક્રિશ્ચિયન સોસાયટીના પ્રમુખ સુખમન પોટાઈએ આરોપ લગાવ્યો હતો કે, ખ્રિસ્તી સમુદાયના ગ્રામીણો પર હિંસા આચરનારાઓ સામે ફોજદારી કેસ નોંધવાને બદલે વહીવટીતંત્રે તેમને અન્ય સ્થળે સ્થાનાંતરિત કરી દીધા હશે. બસ્તરના આઈજીપી પી. સુંદરરાજે કહ્યું કે, પોલીસ પીડિત ગ્રામજનોના સંપર્કમાં છે. બસ્તરના આઈજીપીએ કહ્યું કે, નારાયણપુર જિલ્લા પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર આ મુદ્દાને ઉકેલવા, વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લઈ રહ્યા છે. કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે ગામના વડીલો અને હિતધારકોને વિશ્વાસમાં લેવામાં આવી રહ્યા છે. નારાયણપુર કલેક્ટરને આપેલા તેમના મેમોરેન્ડમમાં ગ્રામવાસીઓએ જણાવ્યું હતું કે તેમની સાથે તેમના ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
નારાયણપુરના એક સ્ટેડિયમમાં મહિલાઓ સહિત લગભગ 100 લોકો રોકાયા છે જ્યારે અન્ય ઘણા લોકોને ચર્ચ સહિત અન્ય સ્થળોએ રાખવામાં આવ્યા છે. જ્યાં તેમને સ્વયંસેવકો દ્વારા ભોજન અને કપડાં આપવામાં આવી રહ્યા છે. રાજ્યપાલને સુપરત કરવામાં આવેલા મેમોરેન્ડમમાં, છત્તીસગઢ ક્રિશ્ચિયન ફોરમે હિંસાનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક રાહત, હુમલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના અને અત્યાર સુધી નોંધાયેલા તમામ કેસોમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.