Published By : Parul Patel
- ✍️ વિક્રમનું નવું વર્ષ 2080 ભરૂચ માટે અનિવાર્ય એવા વિકાસની ઇચ્છાઓની પૂર્તિ કરનારું નીવડે એવી કોટી કોટી શુભેચ્છાઓ…
- ✍️ વર્ષારંભે બે ઈશારા-કાર્યો આશાઓનો સંચાર કરનારા રહ્યા: માતરિયાનું બ્યુટીફીકેસન અને ભોલાવ ગ્રા.પં.ના રસ્તાઓ ભેટ રૂપ…
- ✍️ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ-પદાધિકારીઓ જો પ્રજાની ઈચ્છાઓ પૂરી નહીં કરે તો પસ્તાશે એ પાક્કું…
ભારતીય-હિન્દુ પરંપરા પ્રમાણે વિક્રમના નવા વર્ષ સાથે ખરો દીપાવલી અને નૂતન વર્ષનો આરંભ થાય છે…જ્યારે 1લી જાન્યુ થી ઈશવિષન બદલાય છે. દીપાવલીના દિવાઓ પ્રજા માટે આનંદ ઉત્સવ સાથે નવજીવન, નવા વર્ષનો આરંભ કરનારો બની રહે છે. નવી આશાઓ અને ઉમ્મીદો વચ્ચે આરંભાતા ભરૂચ જિલ્લાને સાચા વિકાસના પથ પર ઝડપથી પ્રયાણ કરવાની તાતી જરૂરિયાત અને આશાઓ છે…અને ઉજ્જવળ તકો પણ ઉપલબ્ધ છે…બે બે દિશાઓમાં ભરૂચ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, જે વર્ષોની ભૂખને તૃપ્ત કરી શકે છે અને એ તકો 2080-2081 માં પૂર્ણ પણ થઈ શકે એમ છે, પણ જો વહીવટી અને ચૂંટાયેલા સત્તાધારી રાજાઓ પ્રજાના સાચા સેવક બને, વિઘ્નોના સર્જે, બલ્કે વિઘ્નહર્તા બની પાવર સાથે વિકસિત ભરૂચની પરિકલ્પનાઓ પુરી કરે તો…નવા વર્ષે આ બ્લોગમાં આપણે શક્ય એટલી હકરાત્મક વાતો જ કરીશું અને વિશ્વકર્માને, ગણેશજીને હૃદયથી પ્રાર્થના પણ કરીશું કે પ્રજાની ઈચ્છા પૂર્તિ થાય…
નવા વર્ષના આરંભે સહુથી પહેલી માં નર્મદાને સબિંદુ સિંધુ સુસખલત…ના નર્મદાસ્ટક અને ગણેશજીની અથર્વશીર્ષ પ્રાર્થના સાથે નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ…તન, મન, ધનથી ભૃગુભુમીની પ્રજા સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે, ચારે દિશાઓમાંથી શુભ અને લાભ વર્ષે, દશે દિશાઓમાંથી પ્રગતિના સમાચારો પ્રાપ્ત થાય…ભૃગુઋષિના આશીર્વાદ વરસે…
છેલ્લા 3-4 દિવસોમાં શુભની શરૂઆત તો થઈ છે, પરિવર્તનના પવન સાથે આવું વારંવાર થતું રહે…ભોલાવ ગ્રામ પંચાયતમાં નવા વર્ષના આરંભે નવા માર્ગોનું નિર્માણ થયું, ભલે એ પાલિકા હસ્તક નહીં હોય…પણ આના ઉદ્ઘાટન પ્રસંગે માં.ધારાસભ્યશ્રી એ આપેલો સંદેશની, ખાતરી સતત અને શાશ્વત રહે…પાલિકા પણ એવા જ સશક્ત અને ટકાઉ RCC ના દીર્ઘજીવી માર્ગોનું નિર્માણ કરે તો ભરુચીઓ સુખી થાય. હા,પંડિત ઓમકારનાથ-કલેકટર કચેરી વાળો માર્ગ નવો બન્યો તો છે, પણ એવોને એવો વર્ષ સુધી ટકી જાય તો ભરુચીઓના સદનસીબ…આખું ભરૂચ નવું બનાવવાનું છે…ઝાડેશ્વર-તવરા પટ્ટી ભરૂચ માટે વડોદરાનું રેસકોર્ષ અને સુરતનું વેશુ બની રહ્યું છે….એનો વિકાસ તીવ્ર ગતિએ થવો જોઈએ અને આ વર્ષે થઈને રહેશે…બીજી બાજુ બ્લોક થઈ ગયેલી ચાવજ પટ્ટી પણ તેજ ગતિએ વિકસી રહી છે, બે વર્ષમાં ઝાડેશ્વર-તવરાની સમકક્ષ આવી જાય તો નવાઈ નહીં, રિંગ રોડ અને ગાંધીનગરમાં પડેલી ટાઉન પ્લાનિંગની ફાઈલોને જો ઝડપી ગતિ કોઈ અપાવે તો ભરૂચની મહત્તમ ઈચ્છાઓ પૂર્ણ થાય…બૌડાએ પણ આળસ ખંખેરી જાગવું, દોડવું પડશે, સમય સાથે તાલ મિલાવવો પડશે…એમના માટે ભરૂચ જ નહીં, બહુ મોટા વિસ્તારના વિકાસના કામો રાહ જોઈ રહ્યા છે…અંકલેશ્વર અને દહેજ પટ્ટી પણ…
એક બીજો સારો પ્રસંગ બન્યો…માતરિયા તળાવ જે ભરૂચનું આભૂષણ બન્યું છે, તેનું નવીનીકરણ થઈ રહ્યું છે…એ પણ પ્રજાને અર્પણ કરાયું છે….સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ પાંજરાપોળ નજીક લગભગ પ્રજાને અર્પણ કરવાની રાહ જોઈ રહ્યું છે…નવા ઘણાં પ્રોજેક્ટ્સ રાહ જોઈ રહ્યા છે…જિલ્લા કલેકટરશ્રી પણ શહેર માટે ચિંતનશીલ તો દેખાયા જ છે, હા સોચ અને કામ કરવાની સિસ્ટમ બધાની જુદી જુદી હોઈ શકે, સફળતા અને નિષ્ફળતા સહિયારી જ હોય….સોલિડ વર્ક જે પ્રજાને સીધું સ્પર્શ કરે, માણવા મળે, સુવિધાઓ આપે એવા કામો પણ સહુએ સાથે મળી કરવા પડશે અને થશે જ એવી આશા રાખવી જ રહી, પણ એ માટે ભરુચીઓએ એમની રોતલ કે માત્ર ટીકાત્મક, વાંધા વચકાઓ, કાંકરીચાળો વાળી વૃત્તિ ત્યજવી જ પડશે…સહયોગ કરવો પડશે, અવરોધ સર્જનારાઓને ખુલ્લા પાડવા જ પડશે, પછી એ ગમે તે ચમર બંધી કેમ ના હોય ??
બીજા પણ એક હાલપુરતા સારા સમાચાર એ મળ્યા છે કે કોંગ્રેસીઓના આંદોલન પછી સક્રિય બનેલા જિલ્લા પ્રમુખ,સાંસદ અને ધારાસભ્યોએ એક થઈ કલેકટરશ્રી અને NHAI ને જોરદાર રજુઆત કરતા ભરૂચ પાસિંગ GJ-16 ના વાહનોનો મૂલદ પાસેના ટોલટેક્સ પર ઉઘરાવાતો ટેક્સ બંધ કરવાની નેતાઓએ જાહેરાત કરી છે, અને NHAI નો સત્તાવાર સર્ક્યુલર આવતાં ટેક્સ બંધ થશે એવું હાલ મનાઈ રહ્યું છે, જો ઉલ્લુ બનાવશે તંત્ર તો પ્રજાએ ઉગ્ર આંદોલન કરવું જ પડશે.
નવા વર્ષમાં ઘણાં રચનાત્મક અને હકારાત્મક પરિવર્તનોનો પવન અત્યારે હળવો હળવો અનુભવાઈ રહ્યો તો છે…ઈશારા, અણસાર કંઈક પોઝિટિવ તો લાગે છે, પણ પરિશ્રમ વિના પારસમણિ મળતો નથી, ચમત્કાર વિના રાજ-સત્તા નમસ્કાર કરતી નથી એ પ્રયોજન અને પ્રજાને સંદેશ સાથે…પુનઃ વિક્રમના નવા વર્ષની અંતરથી, હૃદયથી શુભેચ્છાઓ…સહુનું કલ્યાણ થાઓ…