- કોઇપણ રીતે ગેઇટ વટાવીને પરિક્રમા માર્ગ પર પ્રવેશી ગયેલા ભાવિકોને રૂટ પરથી જ વનવિભાગે પાછા વાળ્યા હતા…
પ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા સત્તાવાર રીતે તા. 4 નવે. 2022ની મધરાત એટલેકે, દેવ ઉઠી એકાદશીથી પૂનમ સુધી યોજાતી હોય છે. પણ લાખોની સંખ્યામાં ભાવિક ભકતો આવતા હોવાથી ભીડથી બચવા અસંખ્ય ભાવિક ભકતો વર્ષોથી 3-4 દિવસ અગાઉથી પરિક્રમા પૂરી કરીને પરત પણ જતા રહેતા હોય છે. આવા પરિક્રમાર્થીઓ તા ૨ નવેમ્બરના રોજ ભવનાથ તળેટી પહોંચી ગયા હતા. જોકે, ભકતોને પરિક્રમા માટે વનવિભાગના ગેટથી પરત મોકલાયા હતા. તો કોઇપણ રીતે ગેઇટ વટાવીને પરિક્રમા માર્ગ પર પ્રવેશી ગયેલા ભાવિકોને રૂટ પરથી જ વનવિભાગે પાછા વાળ્યા હતા. તેથી ભક્તોની હાલત કફોડી બની ગઈ હતી.
આવા અનેક ભાવિક ભક્તો ભવનાથ પરત આવી ગયા હતા. અને તેઓએ આશ્રમો અથવા ઉતારાઓમાં મુકામ કર્યો હતો ભવનાથમાં હાલમા આવા અંદાજે 2500થી વધુ લોકો આવી પહોંચ્યા છે. તો કેટલાય ભાવિકો એવા છેકે, પરિક્રમાને હજુ 3 દિવસની વાર હોવાથી ગીરનાર, પરબ, સત્તાધાર, સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ દર્શન અર્થે જઇ રહ્યા છે. આવા ભાવિકોથી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને જૂનાગઢના માર્ગો પર વાહનોની અવરજવર પણ વધી ગઇ છે.જૉકે ગિરનાર પરિક્રમા અંગે પ્રવેશ માટેનો નિર્ણય વહિવટી તંત્ર લેશે. પરિક્રમા માર્ગ પર પ્રવેશ ક્યારથી આપવો તેનો નિર્ણય વહિવટી તંત્ર લેશે.અને ત્યારબાદ જ ભાવિકોને પરિક્રમા માર્ગ પર પ્રવેશ અપાશે. અત્યારે 4 નવે.ની રાત્રે જ પ્રવેશ આપવાની વાત વહેતી થઈ છે.