Published by : Anu Shukla
સારા અને નિયમિત ભણતર માટે સ્કૂલમાં બાળકોએ સત્યાગ્રહ કર્યુ હોવાનો કિસ્સો જાણવા મળેલ છે .વિદ્યાર્થીઓએ શિક્ષકો ભણાવતા નહીં હોવાથી ચક્કાજામ, ગેટ બંધ કરીને શિક્ષણાધિકારીનો ઉધડો લઈ લીધો હતો.
પંચમહાલ જિલ્લાના નદીસર ગામની શ્રી મહાજન ઈંગ્લિશ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ સારા ભણતર માટે આંદોલન છેડ્યું હતું. ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયમાં શિક્ષકો યોગ્ય રીતે ન ભણાવતા હોવાનો આક્ષેપ કરીને પરીક્ષાની ઉત્તરવહીમાં રોષ અને હૈયાવરાળ ઠાલવી હતી. રોષ પ્રગટ કરેલી ઉત્તરવહી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જિલ્લા શિક્ષણાધિકારી તપાસ અર્થે શાળામાં આવતાં વિદ્યાર્થીઓએ રડમસ અવાજે અધિકારીને રજૂઆત કરી બાદ વિદ્યાર્થીઓએ શાળાનો ગેટ બંધ કરી દેતા શિક્ષણાધિકારી દોઢ કલાક પુરાયેલા રહ્યા હતા. કેટલીક સમજાવટ અને ખાત્રી અપાતા અમલદારને જવા દેવામાં આવ્યાં હતાં.