Published by : Rana Kajal
- પંડિત ઓમકારનાથ હોલ ખાતે પોલીસના લોન મેળામાં બેંકો, સરકારી વિભાગના ઉભા કરાયેલા સ્ટોલ ખાતે 236 લોકો માહિતગાર થયા
- ધંધા, શિક્ષણ, વાહન, જમીન, મકાન સહિતની વિવિધ લોનો, વ્યાજદર, ડોક્યુમેન્ટ, ફોર્મ ભરવા સહિતથી પ્રજાને પોલીસે કરી અવગત
- 300 લોકોએ સસ્તામાં અને સુલભ લોન માટે લીધી માહિતી…
રાજ્યના ગૃહ વિભાગે વ્યાજખોરો સામે ઉપાડેલી ઝુંબેશમાં ભરૂચ જિલ્લા પોલીસે પણ સંખ્યાબંધ લોક દરબાર યોજી વ્યાજખોરોના શોષણમાંથી પીડિતોને મુક્તિ અપાવી ફરિયાદો નોંધી વ્યાજખોરોને જેલભેગા કર્યા હતા.

સમાજમાં ફેરિયા, રીક્ષા ચાલક, શાકભાજી વાળા ,છૂટક વેપારીઓ, નાના ધંધાર્થી સહિતના જરૂરિયાતમંદોને સસ્તી અને સુલભ લોન મળી રહે તે માટે આજે બુધવારે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની આગેવાનીમાં પંડિત ઓમકારનાથ હોલ ખાતે પોલીસે લોન મેળાનું આયોજન કર્યું હતું.
આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે વિવિધ સરકારી એજન્સીઓ, બેંકોના સહયોગથી લોકોને વ્યાજખોરોમાંથી છુટકારો અપાવી સસ્તી લોન માટે મેળો યોજાયો હતો. જેમાં કલેકટર કચેરી, જિલ્લા આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ કલ્યાણ નિગમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નગરપાલિકા તથા વિવિધ બેંકો સાથે મળીને નાના ધંધાવાળા વેપારીઓને અવગત કરવા એક જ સ્થળે તમામ આયોજન કરાયું હતું.

ફેરિયાઓ, પાનના ગલ્લા, શાકભાજીની લારીવાળા જરૂરિયાત મંદ લોકોને લોન લેવા માટે એક જ સ્થળે બધી બેંકો તથા સરકારી વિભાગોમાંથી માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટની દરેક પ્રક્રિયાની સમજ મળી રહે. લોન તથા અન્ય સરકારી લાભો લેવા માટે જરૂરી ફોર્મ ભરવાની કાર્યવાહીમાં આસાની રહે તેના માટે દરેક એજન્સીઓના સ્ટોલ લગાવી વર્કશોપ લગાવવામાં આવ્યા હતા.

આયોજનમાં આશરે 300 થી પણ વધુ લોકોએ હાજર રહી સમજ મેળવી અને જરૂરી માહિતીઓ મેળવેલ. જેમાં લોન લેવી, આધાર કાર્ડ અપડેટ કરવા, આયુષ્માન કાર્ડ મેળવવા- અપડેટ કરવા, શૈક્ષણિક લોન મેળવવી વગેરેના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાં 236 જેટલા લોકોએ વિવિધ સ્ટોલ પરથી રૂબરૂમાં માહિતીઓ મેળવી હતી.
કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં ડીવાયએસપી આર આર સરવૈયા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, લીડ બેંક મેનેજર જીગ્નેશ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.