ભરૂચમાં નહેરોમાં ભંગાણના કારણે ખેડૂતો અને શહેરની પ્રજાને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં એક પખવાડિયામાં નહેરમાં ભંગાણની બે ઘટનાઓ સામે આવી છે જેમાં 450 થી 500 એકર જમીનના પાકને નુક્સાન પહોંચવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે જયારે ભરૂચ શહેરને પીવાનું પાણી પૂરું પડતી કેનલમાં ગાબડાનાં કારણે ભરૂચવાસીઓ માટે જળસંકટ ઉભી થયું છે. એક સપ્તાહથી સમારકામ ન થતા હવે ભરૂચના માતરિયા તળાવમાં જળસ્તર ઘટી રહ્યું છે અને આગામી દિવસમા ભરૂચવાસીઓએ પાણી માટે વલખા મારવા પડે તો નવાઈ નહિ.
જંબુસરમાં પણ નહેરમાં ભંગાણ
આજે ભરૂચ જિલ્લામાં જાંબુસર તાલુકામાં આવેલ ભડકોદ્રા નજીક મુખ્ય કેનલમાં ગાબડું પડતા મોટી માત્રામાં પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યાં હતા. ખેડૂતો અનુસાર આ વિસ્તાર કઠોળની ખેતી માટે જાણીતો છે. ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. ખેતરમાં પાણી ફરી વળતા ઉભો પાક નાશ પામવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. સતત વહેતુ પાણી જમીનને તરબોળ કરી રહ્યું છે તે પણ એ સમયે જયારે પાણીની બિલકુલ જરૂર નથી. ખેડૂતો નહેર વિભાગ દ્વારા તાત્કાલિક નુકસાની સર્વે હાથ ધરાય તેવી માંગ કરી રહ્યા છે.
ભરૂચમાં સમારકામ ક્યારે થશે?
બીજી તરફ ભરૂચ નજીક શહેરને પાણી પૂરું પડતી નહેરમાં પણ ગાબડું પડ્યું છે. એક સપ્તાહથી આ ગાબડું ક્યારે પુરાશે તેની નગરપાલિકા સહીત શહેરીજનો રાહ હોઈ રહ્યા છે. ભરૂચ નગર પાલિકા પાસે માતરિયા તળાવમાં હવે ત્રણ – ચાર દિવસ ચાલે તેટલોજ પાણીનો સ્ટોક હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે જોકે મોટા હિસ્સાનું સમારકામ બાકી હોવાથી ટૂંક સમયમાં ભરૂચવાસીઓને જળસંકટનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.