- છેલ્લા ઘણા વર્ષોથી નર્કાગારની સ્થિતિમાં રહેતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ
- ધાર્મિક સ્થળો અને સ્કુલમાં જતા વિદ્યાર્થીઓમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત
ભરૂચ શહેરના લાલ બજાર સ્થિત ચોકસીવાડ વિસ્તારમાં ઉભરાતી ગટરોને લઇ સ્થાનિકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે
છેલ્લા ઘણા વર્ષોથી ઉભરાતી ગટરોને લઇ ભરૂચના લાલ બજારમાં સ્થિત ચોકસીવાડના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વોર્ડ નંબર-૧૦ અને ૧૧ની બોર્ડર ઉપર આવેલ આ વિસ્તારમાં સફાઈના અધિકારીઓ અને કામદારો સ્થાનિકો સાથે ગેરવર્તન કરતા હોવાની પણ બુમો ઉઠી છે. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના પગલા નહિ લેવાતા સ્થાનિકોની દયનીય સ્થિતિ જોવા મળી હતી. આ વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળો અને સ્કુલમાં જતા વિદ્યાર્થીઓ ગટરોમાં ખાબકતા હોવાની પણ ઘટનાઓ પ્રકાશમાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કાયમી નિરાકરણને બદલે ઉભા હાડકાના અધિકારીઓ અને કર્મચારીઓના પાપે નર્કાગારની સ્થિતિમાં રહેવા માટે મજબુર બન્યા છે. ત્યારે અન્ય વિસ્તારો જે રીતે ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે એ રીતે સગવડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિક રહીશ ડો. સૈફુદ્દીન મુલ્લાએ ચેનલ નર્મદાને જણાવ્યું હતું કે આ પ્રશ્ન બાબતે અનેકવાર સ્થાનિક પ્રશાસનને રજૂઆત કરવા છતાં વર્ષોથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ નથી આવ્યું. જો આવનાર દિવસમાં કોઈ યોગ્ય પરિણામ નહિ મળે તો સ્થાનિકો ના છૂટકે ગાંધી ચિંધયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.