- ચા ની દુકાન ઉપર ₹5500 ની ઉઘરાણીએ આવેલા આરોપીને ગાળો બોલવાનું દુકાનદારે ના કહેતા કમાઠાણ
- થાર ગાડી લઈ કુખ્યાત બુટલેગર અન્નુ સહિત 4 બાઇકો ઉપર 8 થી 10 લોકોએ આવી કરેલો હુમલો
ભરૂચમાં વ્યાજખોરો અને બુટલેગરોનો આતંક વધી રહ્યો છે. પ્રજાસતાક પર્વની મધરાતે કુખ્યાત બુટલેગર અન્નુ સહિત આણી મંડળીએ 4 લોકોને ચપ્પા, બેઝબોલ અને પાઇપોના સપાટા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.
ભરૂચના નંદેલાવ ગામે આવેલા આશીર્વાદ બંગલોઝમાં નરેશ નટવરભાઈ વસાવા રહે છે. જેઓની રેલવે ગોદી રોડ ઉપર આશ્રય શોપિંગ સેન્ટરમાં ચા ની દુકાન આવેલી છે. પ્રજાસતાક પર્વની રાતે 10.30 કલાકે દુકાને નરેશ તેના મિત્ર સૂરજસિંહ અનિલકુમાર રાજપૂત, ભત્રીજો સોહમ મુકેશ વસાવા અને ભાણીયા ઇન્દ્રજીત નટુ વસાવા સાથે બેઠા હતા.ચારેય જણા દુકાન બહાર તાપણું કરી રહ્યા હતા ત્યારે નજીકમાં આવેલ રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો સિદ્ધાર્થ ઉમેશ પટેલ બાઇક ઉપર બીજા એક વ્યક્તિને બેસાડી દુકાને આવ્યો હતો. સુરજસિંહ પાસે સિદ્ધાર્થે વ્યાજના 5500 રૂપિયાની ઉઘરાણી કરી હતી. જેમાં રૂપિયા આવતીકાલે આપી દઈશ કહેતા સિદ્ધાર્થે ગાળા ગાળી શરૂ કરી દીધી હતી. દુકાનદાર નરેશે અહીં અપશબ્દો નહિ બોલવા અને જતા રહેવા કહેતા સિદ્ધાર્થ જતો રહ્યાં બાદ થોડીવારમાં અન્ય 8 લોકોને 4 બાઇક ઉપર લઈને આવ્યો હતો. જ્યારે રોટરી કલબ પાછળ રહેતો કુખ્યાત બુટલગર અન્નુ દિવાન થાર કારમાં બે થી ત્રણ લોકોને લઈ દુકાને ધસી આવ્યો હતો. બેફામ બનેલા વ્યાજખોર બુટલેગરોએ નરેશ, તેના ભત્રીજા, ભાણીયા અને મિત્ર ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. સાથે જ પોતાની પાસે રહેલા બેઝબોલના દંડા, લોખંડની પાઇપો અને ખીરશીઓ મારી ઇજાઓ પોહચાડી હતી. શોપિંગ અને સોસાયટીમાંથી અન્ય લોકો આવી જતા ચારેય લોકોનો બચાવ થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.ચા ની દુકાન ચલાવતા નરેશ વસાવાએ બુટલેગરો અન્નુ દિવાન, સિદ્ધાર્થ સહિત 8 થી 10 હુમલાખોર સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.