Published By : Patel Shital
- મહિલાના પર્સમાંથી મોબાઇલની ચોરી…
- સુરતના વેપારીનું ખિસ્સું કાપી 25 હજાર રોકડા ગઠિયો લઈ ગયો…
- વડોદરા જતી મહિલાના 9500 ના મોબાઇલની ચોરી…
ભરૂચ અને ચાવજ સ્ટેશને ચાલુ ટ્રેનમાં સુરતના કાપડના વેપારીનું ખિસ્સું કાપી 25 હજાર અને મહિલાના પર્સમાંથી 9500 ના મોબાઇલની ચોરીના બે બનાવ બન્યા હતા.
વેકેશનમાં ટ્રેનોમાં ભીડનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યાં છે. સુરતના પર્વત પાટિયા ખાતે રહેતા સંજય મોહનલાલ જૈન અમદાવાદ હોસ્પિટલ જતા હતા. કાપડના વેપારી સુરતથી અમદાવાદની ટિકીટ લઈ ઇન્ટરસિટીના જનરલ કોચમાં મુસાફરી કરી રહ્યાં હતાં. કોચમાં ભીડ વચ્ચે ભરૂચ સ્ટેશન પસાર થયા બાદ તેમને માલુમ પડ્યું હતું કે કોઈ ચોર તેમનું પેન્ટનું ખિસ્સું કાપી તેમાંથી રૂ. 500 અને રૂ. 200 ના દરની 25 હજારની રોકડ રકમની ચોરી કરી ગયો હતો. અમદાવાદ પહોંચી જે અંગે ફરિયાદ નોંધાવતા ઝીરો નંબરથી તેને ભરૂચ રેલવે પોલીસ મથકે ટ્રાન્સફર કરાઈ હતી. ટ્રેનમાં ચોરીની બીજી ઘટનામાં વડોદરા તાંદલજા રહેતા દિલશાનબાનું પઠાણ અંકલેશ્વર દીકરીને લેવા આવ્યા હતા. જ્યાંથી માતા-પુત્રી મેમુ ટ્રેનના લેડીઝ કોચમાં વડોદરા પરત ફરી રહ્યા હતા. દરમિયાન ભીડનો લાભ લઇ ચાવજ નજીક તેમની દીકરી નમીરાંબાનુંનું પર્સ ખોલી કોઈ શખ્સ 9500 નો મોબાઇલ સેરવી ગયો હતો. જે અંગે પણ ભરૂચ રેલ્વે પોલીસે ફરિયાદ આપતા બન્ને ચોરી અંગે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.