- 30 કેમેરાથી વિડીયોગ્રાફી, 400 જેટલા બોડી વૉર્મ કેમેરા અને 5 જેટલા ડ્રોનથી રહેશે શ્રીજીની યાત્રા પર પોલીસની સલામત નજર
- નદી કાંઠે પ્રતિમાનું વિસર્જન ન થાય તે માટે બંદોબસ્ત ગોઠવી ચુસ્ત પાલન
- ધાંધલ, ધમાલિયા કે અસામાજિક તત્વોની ખેર નહિ
ભરૂચ-અંકલેશ્વર શહેર અને જિલ્લામાં શુક્રવારે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર પોલીસ વડાની આગેવાનીમાં કટિબદ્ધ બન્યું છે.
આંનદ,ઉલ્લાસની છોળો વચ્ચે આસ્થા તેમજ શ્રદ્ધાભેર ભરૂચમાં શ્રીજીનું વિસર્જન સંપન્ન થાય તે માટે ભરૂચમાં 1398 પોલીસ કાફલો ખડકી દેવાયો છે.જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે માહિતી આપી હતી કે, વિસર્જનમાં 2 એસ.આર.પી. કંપની, ડ્રોન, બોડી વૉર્મ કેમેરા, 30 સ્થળોએ વિડીયો ગ્રાફી સાથે બંદોબસ્ત કાયદો-વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે.
ભરૂચમાં 4 એ.એસ.પી., ડીવાયએસપી, 27 પી.આઈ., 38 પી.એસ.આઇ, 978 પોલીસ જવાનો, 1128 હોમગાર્ડ, 750 જીઆરડી અને બે એસ.આર.પી. નો બંદોબસ્ત ફાળવાયો છે. સાથે જ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને એન.જી.ટી.ના આદેશનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. ભરૂચ અને અંકલેશ્વરમાં નર્મદા નદી કિનારે વિસર્જન ન કરાઇ તે માટે પણ પોલીસ તહેનાત રહેશે. વિવિધ મંડળોની વિસર્જન યાત્રા સુપેરે પાર પડે, કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ કટિબદ્ધ બની છે.