– સોનેરી મહેલથી સ્ટેશન રોડ, ઝાડેશ્વર સુધી મોંઘેરા મહેમાનને શાહી વિદાય આપવા ઉમટયું કીડીયારું
– ઐતિહાસિક મેઘરાજા, છડીનાં 4 દિવસીય ઉત્સવની પૂર્ણાહૂતિ
– ભોઈ (જાદવ), ખારવા અને વાલ્મિકી સમાજનો છડી મહોત્સવ પણ સંપન્ન
ભરૂચ શહેરમાં શ્રાવણ વદ દસમે સમસ્ત ભોઈ સમાજ દ્વારા છેલ્લા 250 વર્ષથી પરંપરાગત મનાવાતા ઐતિહાસિક મેઘરાજાના ઉત્સવની રવિવારે પરંપરાગત પુર્ણાહુતિ કરવામાં આવી હતી.
ભાવભેર મેઘરાજાની શાહી સવારીને ભોઈવાડથી પાંચબતી, સ્ટેશન રોડ ફેરવી ઝાડેશ્વર નર્મદા નદીમાં રાતે પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. શહેર અને જિલ્લામાંથી માનવમહેરામણ ઉમટી પડી દર્શન અને કૃપાદ્રષ્ટી મેળવી હતી.ભરૂચમાં મેઘરાજાની ભવ્ય સવારીના આખરી દર્શન અને વિદાય આપવા માનવ મહેરાણ ઉત્સવમાં જોડાયું હતું.મેઘરાજાની શાહી સવારીનું સોનેરી મહેલ ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. મેઘરાજાની સવારી સાથે સમસ્ત ભોઈ સમાજના યુવકો તેમજ જ્ઞાતિજનોએ આનંદભેર ભાગ લીધો હતો. મેઘરાજાના ઉત્સવની પુર્ણાહુતિ સાથે આજે 4 દિવસના છડી અને મેઘ મેળાની પુર્ણાહુતિ થઈ હતી.